Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

2004 બાદ ગુજરાતના ખેડૂતો મહારાષ્‍ટ્રથી દાડમના છોડ લાવ્‍યા અને ખેતી ક્ષેત્રે 16 વર્ષમાં એવો તો વિકાસ કર્યો કે હેક્‍ટર દીઠ ઉત્‍પાદનમાં ગુજરાતે મહારાષ્‍ટ્રને પણ પાછળ રાખી દીધુ

અમદાવાદઃ સિઝનેબલ પાક માટે જાણીતું ગજરાત હવે બાગાયતી ખેતીમાં પોતાનો વ્યાપ વધારી રહ્યું છે.આજે ગુજરાતની દાડમની ખેતી દેશભરમાં પ્રખ્યાત બની છે.ગુજરાતમાં ચારે બાજુ દાડમથી લદાયેલી વાડીઓ જોવા મળી શકે છે.દાડમનું ઉત્પાદન કેવી રીતે વધ્યું અને કોને પછાડી ગુજરાત નંબર વન બન્યું તે જાણવું પણ ખુબ જ જરૂરી છે.

મુખ્યત્વ ઈરાકની ખેતી ગણાતા દાડમ ધીરે ધીરે હવે ભારતની ઓળખ બની ગયા છે.ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં દાડમની ખેતી થાય છે.ભારતમાં દાડમ ઉગાડતા રાજ્યોમાં મહારાષ્ટ્ર અગ્રણી રાજ્ય છે. આ રાજ્યમાં દાડમનું કુલ ક્ષેત્રફળ  90 હજાર હેક્ટર છે.જેમાં ઉત્પાદન 9.45 લાખ મેટ્રિક ટન છે તો ઉત્પાદકતા 10.5 મેટ્રિક ટન છે.

હેક્ટર દીઠ ઉત્પાદનમાં ગુજરાત નંબર-1:

ભારતમાં દાડમના કુલ ક્ષેત્રમાં મહારાષ્ટ્રનો ફાળો 78 ટકા અને દેશના કુલ ઉત્પાદનમાં 84 ટકા છે.જો કે વર્ષ 2004 બાદ ગુજરાતના ખેડૂતો મહારાષ્ટ્રથી દાડમના છોડ લાવી ખેતી કરી.અને 16 વર્ષમાં એવો તો વિકાસ કર્યો કે હેક્ટર દીઠ ઉત્પાદનમાં આજે ગુજરાતે મહારાષ્ટ્રને પણ પછાડી દધું છે. 

કચ્છ અને બનાસકાંઠામાં બંપર ઉત્પાદન:

ટીશ્યુ કલ્ચર પદ્ધતિથી ગુજરાતમાં દાડમી ખેતી વિકસી છે.જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં દાડમના બગીચા છે.તો બનાસકાંઠામાં પણ હેક્ટર દીઠ 22 ટન દાડમ જેટલું ઉત્પાદન નોંધાઈ ચુક્યું છે.ગુજરાતમાં હેક્ટર દીઠ 15 ટન દાડમનું ઉત્પાદન થાય છે.જે મહારાષ્ટ્ર કરતા ઘણું વધારે છે.

ગુજરાતમાં 6,71,301 મેટ્રીક ટન ઉત્પાદન:

2004થી મહારાષ્ટ્રમાંથી શીખીને ગુજરાતીઓએ દાડમની ખેતી શરૂ કરી હતી.ગુજરાતમાં ખેતીની કુલ જમીન 98 લાખ 91 હજાર 500 છે.જેમાંથી 43 હજાર 655 હેક્ટરમાં વાવેતર થાય છે.જેમાં વર્ષ 2019-20માં ગુજરાતમાં દાડમનું કુલ ઉત્પાદન 6 લાખ 71 હજાર 301 મેટ્રીક ટન થાય છે.જેમાં સરેરાશ હેક્ટર દીઠ મહારાષ્ટ્રથી પણ વધારે 15 ટન થાય છે.

દાડમનો ઉપયોગ:

મુખ્યત્વ દાડમ ખાવા માટે લોકો ઉપયોગમાં લેતા હોય છે.પરંતુ દાડમનો રસ, લેપ્રોસીના દર્દી માટે વધુ ઉપયોગી હોય છે.તો દાડમની છાલ ઝાડા અને ઉલટી માટે દવા તરીકે વપરાય છે.ગુજરાતમાં દાડમની ખેતી ખાસ કરીને કચ્છ, ભાવનગર, ધોળકા, સાબરકાંઠા,બનાસકાંઠા જિલ્લામાં વાવેતર વધારે વિસ્તારમાં થઇ રહ્યું છે.

દાડમની રોપણી કેવી રીતે કરી શકાય છે?  

દાડમની રોપણી માટે ગુટી કલમ કે કટકા કલમ કરી શકાય છે.જેના માટે જમીનને ખેડી સમતલ કરવી. ત્યાર બાદ 5 મીટર × 5 મીટરના અંતરે અથવા ધનિષ્ઠ ખેતી પધ્ધતિમાં વાવેતર માટે 4 મીટર × 2 મીટરના અંતરે રોપણી કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.જેમાં એક હેકટરમાં 1,250 જેટલા છોડ રોપવામાં આવે છે.

દાડમની ખેતી માટે કેવી જમીન વધુ અનુકુળ:

દાડમનો પાક આમ તો સામાન્ય હલકીથી થોડી છીછરી જમીનમાં થઈ શકે. પરંતુ વિશેષ સારૂ અને ગુણવતાયુકત ઉત્પાદન લેવા માટે મધ્યમ કાપી અને ગોરાડુ જમીન વધારે માફક આવે છે. જેમાં દાડમની ધોળકા, ગણેશ, મૃદૃલા, આરકતા, જયોતિ, રૂબી, લગવા સહિતની અનેક જાતો થાય છે.

(4:54 pm IST)