Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

પૂજ્‍ય મોરારીબાપુ ઉપર હૂમલાનો પ્રયાસ કરનાર પબુભા માણેક સામે કાર્યવાહી કરોઃ નર્મદા જિલ્લાના કથાકારો, કર્મકાંડી બ્રાહ્મણો, બ્રહ્મસમાજ, મંદિરના પૂજારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા માંગણી

રાજપીપળા: સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ ભગવાન શ્રીકૃષ્ણ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરતા કૃષ્ણ ભક્તો સહીત હિન્દૂ સમાજના લોકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. મોરારી બાપુ માફી માંગે એવી ભારે માંગ ઉઠી હતી. વિવાદ વધતા મોરારી બાપુ દ્વારકા ખાતે કૃષ્ણ ભક્તોની માફી માંગવા પહોંચ્યા હતા, દરમિયાન ભાજપ સાંસદ પૂનમ માડમ સહીત અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં જ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો, મોરારી બાપુ સાથે અસભ્ય ભાષામાં વર્તન કર્યું હતું.

મોરારી બાપુના શ્રી કૃષ્ણ ભગવાન વિરુદ્ધ વિવાદિત ટિપ્પણીની જેમ જ મોરારી બાપુ સાથે ઘટેલી આ ઘટનાની પણ લોકોએ નિંદા કરી હતી. નર્મદા જિલ્લાના કથાકારો, કર્મકાંડી બ્રાહ્મણો, બ્રહ્મસમાજ, મંદિરના પૂજારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોએ આ ઘટનાને વખોડી કાઢી પબુભા માણેક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. કથાકારવિરંચી પ્રસાદ શાસ્ત્રી સહિત જિલ્લાના અન્ય કથાકારો, કર્મકાંડી બ્રાહ્મણો, બ્રહ્મસમાજ, મંદિરના પૂજારીઓએ નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીને દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક અને એમને ઉશ્કેરનાર વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહીની માંગ કરી હતી, તો સાથે સાથે બીજી વાર કોઈ સાથે આવી ઘટના ન ઘટે એવી માંગ કરી હતી.

કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ ઘટના જઘન્ય ઘટના છે, હજુ આપણે આદિમાનવ કક્ષાએથી આગળ વધી શક્યા નથી. ગુજરાતની પ્રજા તો પબુભા માણેકનો જાહેરમાં બહિષ્કાર કરી એમને સજા આપશે જ. પબુભા માણેક સામે એવી કાર્યવાહી થવી જોઈએ કે બીજી વાર આમ કરતા લોકો વિચાર કરે. પબુભા માણેકે સુપ્રિમ કોર્ટના આદેશથી હતપ્રધ બની સંત પર હુમલો કરી પોતાની હતાશા અને આક્રોશ ઠાલવ્યો છે એ ચલાવી લેવાય નહિ.

(5:16 pm IST)