Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનો વીસરાયેલો ઇતિહાસને સંરક્ષણ જરૂરી

મંદિરોના અવશેષો બાબતે કપરાડા તાલુકાની સમૃદ્ધિ : પ્રાચીન શિવલીંગના અવશેષો , પ્રાચીન મૂર્તિઓ , હીરોસ્ટોન વગેરે મોટા પ્રમાણમાં મોજુદ

 

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :કપરાડા તાલુકાનો વીસરાયેલો ઇતિહાસ સંરક્ષણ માંગી રહ્યો છે મંદિરો હંમેશા સમાજ તથા ભારતીય સભ્યતાના કેંદ્રબિંદુના રૂપમાં સ્થાપિત રહ્યા છે. સમગ્ર ભારતમાં પ્રાચીન સમયથી મંદિરો રાજાઓના સંરક્ષણમાં બંધાતા  રહ્યા છે મંદિરો વિદેશી આક્રમણો કે અન્ય કારણો ને લીધે નાશ પણ થયા. આવા મંદિરોના અવશેષો આજે પણ ભુતકાળમાં આપણને ડોકીયું કરવા માટે મજબૂર કરે છે.

 વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો આવા અવશેષોની બાબતમાં સમૃધ્ધ છે. પરંતુ અત્યાર સુધી આવા અવશેષો પ્રત્યે ઉપેક્ષાના કારણે તેના ભવ્ય ભુતકાળની ઝાંખી lઆપણે મેળવી શકતા નથી. દક્ષિણ ગુજરાત(પ્રાચીન લાટ પ્રદેશ) પર પ્રાચીન સમયમાં રાષ્ટ્રકુટો , પશ્ચિમના ચાલુક્યો , દેવગીરીના યાદવોનું શાસન હતું. બાદમાં મધ્યયુગમાં કપરાડા તેમજ ધરમપુરનો વિસ્તાર પર ધરમપુરના સિસોદીયા વંશના રાજવીઓનું શાસન રહ્યુ. પ્રદેશમાં પ્રાચીન સમયથી આદિવાસીઓનો વસવાટ રહ્યો છે. છતાં પણ આદિવાસીઓ સાથે ઇતિહાસની વાતો ભાગ્યે સાંભળવા મળે છે. પરંતુ કપરાડા તાલુકાના વરવઠ,વિરક્ષેત્ર, વડોલી, પાનસ, સુથારપાડા અને માંડવા ગામમાં મળતા અવશેષો બાબત સુચવે છે કે ભુતકાળમાં અહીંના વતનીઓ રાજકીય ગતિવિધિ સાથે જોડાયેલા હતા.

  અહીંના મંદિરોના અવશેષોમાં પ્રાચીન શિવલીંગના અવશેષો , પ્રાચીન મૂર્તિઓ , હીરોસ્ટોન વગેરે મોટા પ્રમાણમાં જોવા મળે છે. વરવઠ ગામમાં આવેલી મૂર્તિઓ ભગવાન બુધ્ધ અને બૌધ્ધિ સત્વોની છે એમ જણાય છે. તેથી ભુતકાળમાં સ્થળ બૌધ્ધધર્મ સાથે પણ જોડાયેલ હોવાની શક્યતા છે. વિરક્ષેત્રના મંદિરમાં ઘણા દેવતાઓની મૂર્તિઓ આવેલ છે. તથા અહીંનું શિવલીંગ માનવીના મસ્તક રૂપે છે. જ્યારે સુથારપાડામાં પ્રાચીન ગુફા આવેલી છે. જે અજંતામાં આવેલ ગુફાઓ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. વરવઠ અને વિરક્ષેત્રમાં આવેલ મંદિરોના સ્તંભોના અવશેષો તથા કોતરણી દેવગીરીના યાદવોના મંદિરોને મળતી આવે છે. જે દોલતાબાદમાં આવેલ મંદિરના સ્તંભોમાં જોઇ શકાય છે. વળી મંદિરોની બાંધણી દ્રવિડ શૈલીની છે. કારણ કે દરેક મંદિરોની આસપાસ તળાવ કે વાવના અવશેષો જોવા મળે છે.

   મંદિરોના અવશેષોની મુખ્ય ખાસીયત અહીં મળી આવેલ હીરોસ્ટોન છે. શહીદની સ્મૃતિમાં પથ્થર પર નક્કાશીદાર કોતરણીયુક્ત ઊભા કરવામાં આવેલ પથ્થરને હીરોસ્ટોન કહેવામાં આવે છે. જે સમગ્ર ભારતમાં મળી આવે છે. તેને મરાઠીમાં વીરગલ ,હિંદીમાં વીરબ્રજ , કન્નડમાં કલ્લુ ,કેરલમાં તર્રા અને ગુજરાતમાં પાળીયા તરીકે ઓળખાય છે. ગુજરાતમાં મળી આવતા પાળીયા કરતા તે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મળી આવતા હીરોસ્ટોન સાથે ઘણી સામ્યતા ધરાવે છે. હીરોસ્ટોનની અવધારણા કર્ણાટકમાં ઉદભવી અને બાદમાં સમગ્ર ભારતમાં ફેલાય. હીરોસ્ટોનના અવશેષો પહેલી સદીના પણ મળી આવેલા છે. કર્ણાટક અને મહારાષ્ટ્ર્માં મળી આવતા હીરોસ્ટોનમાં અભિલેખ પણ લખાયેલ જોવા મળે છે , પરંતુ અહી મળતા હીરોસ્ટોનમાં અભિલેખ જોવા મળતા નથી. તેથી તે સમયના શાસક કે સમય નિશ્ચિત કરવું કઠિન છે.

  ગામોમાં મળતા હીરોસ્ટોન મુખ્યત્વે ત્રણ ફ્રેમમાં જોવા મળે છે. વડોલી ગામનો હીરો સ્ટોન બે ફ્રેમમાં છે. શહીદ સાધરણ સૈનિક , સેનાપતિ કે રાજા હશે તે હીરોસ્ટોનનો આકાર નક્કી કરે છે. હીરો સ્ટોનમાં ચિત્રો એક નિશ્ચિત સીક્વેન્સમાં હોય છે. નીચેની ફ્રેમમાં સૈનિકના મૃત શરીરને દર્શાવવામાં આવે છે. બીજી ફ્રેમમાં શહીદને સન્માન આપવાનું દ્રશ્ય હોય છે. ઉપરની ફ્રેમમાં પુજારીના માર્ગદર્શનમાં શહીદ દ્વારા શિવલીંગની પૂજા થઇ રહી છે. જે મોક્ષમાર્ગ સુચવે છે. કળશ શહીદની સ્વર્ગની યાત્રાને દર્શાવે છે.  કળશની બન્ને બાજુ સૂર્ય અને ચંદ્ર દર્શાવે છે કે ચંદ્ર અને સૂર્ય આકાશમાં રહેશે ત્યા સુધી શહીદની મહિમા લોકોને પ્રોત્સાહિત કરતી રહેશે.

  ઉપરાંત વરવઠમાં સતી પથ્થરો પણ મળી આવે છે. જે પોતાના પતિના શહીદ થયા બાદ પતિ સાથે સ્ત્રી દ્વારા કરવામાં આવેલ અગ્નિઅસ્નાન દર્શાવે છે. બીજા હીરોસ્ટોનથી વિપરીત સતીસ્ટોનમાં ઉપરના ભાગે કળશ સાથે હાથ દર્શાવવામાં આવે છે. જ્યારે નીચેની ત્રણ ફ્રેમમાં સામ્યતા નજરે પડે છે. વરવઠમાં આવા બે સતીસ્ટોન નજરે પડે છે. જે કપરાડાના બીજા સ્થળોમાં જોવા મળતા નથી. પશ્ચિમના ચાલુક્યો કે દેવગીરીના યાદવ શાસનના પતન બાદ પણ અહીંના આદિવાસીઓ દ્વારા હીરોસ્ટોનની પરંપરા ચાલુ રહી. જે સ્થળોએ મળી આવતા આદીવાસી પાળીયામાં આજે પણ નજરે પડે છે. પથ્થરો યુધ્ધમાં શહીદોની સ્મૃતિમાં બનાવવામાં આવેલ સ્મારકો છે. આથી કહી શકાય કે અહીં વસતા આદીવાસીઓ ભુતકાળમાં યુધ્ધો સાથે જોડાયેલ હશે. જે આજે પણ અહીંના પથ્થરોમાં અંકિત છે

 હાલમાં વીરોના પથ્થરોની કેટલીક જગ્યાએ પૂજા થઇ રહી છે. કારણકે તેમને દેવતા માનવામાં આવે છે. પરંતુ કપરાડાના ગામોમાં હીરોસ્ટોન તેમજ અન્ય મહત્વના અવશેષો ખુલ્લા આકાશમાં વિખરાયેલા પડ્યા જોવા મળે છે. સુથારપાડામાં ગામમાં આવેલ શિવગુફાની આજુબાજુ અતિક્રમણ જોવા મળે છે. ત્યાં ઉત્ખનન કરવામાં આવે તો ઘણી નવી બાબતો ઉભરી આવવાની શક્યતાઓ રહેલી છે. પાનસ ગામમાં મૂળ શિવલીંગ નથી જે દટાયા હોવાની સંભાવના છે. ઉપરાંત ગામોમાં મળી આવતા અવશેષો એકબીજા સાથે ઘણી સામ્યતા ધરાવે છે. તેમના સ્તંભોની કોતરણી અને હીરોસ્ટોન દેવગીરીના યાદવોના અવશેષો સાથે ઘણી સામ્યતા ધરાવે છે. યાદવોનું શાસન .. 860 થી ..1317 સુધી મહારાષ્ટ્ર અને કેટલાક સમય સુધી દક્ષિણ ગુજરાતના પ્રદેશ પર પણ રહ્યું હતું. તેથી અહીંના અવશેષો આશરે ૧૦૦૦ વર્ષોથી પણ જુના છે. બધા અવશેષોને સુરક્ષિત સ્થાન પર રાખવાની જરુર છે

  . અવશેષોની જાળવણીમાં સ્થાનિક લોકો પણ મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. અજ્ઞાનતા અને અને લાપરવાહીના કારણે અહીંના લોકો પોતાની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંપતિ ખોઇ રહ્યા છે. વળી અહીં આવેલ મોટા ભાગના અવશેષો જમીનમાં દટાયા હોવાની શક્યતા છે. આમ ઉપરોક્ત તમામ સ્થળે પુરાતત્વ વિભાગ અને સરકાર દ્વારા ઉત્ખનન કરવામાં આવે તો પ્રદેશના ઇતિહાસમાં નવી બાબતો ઉમેરવાની શક્યતાઓ રહેલી છે.

દિપકકુમાર વી. પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર, સરકારી વિનયન કોલેજ કપરાડાએ જાગરૂકતા દાખવતા સરકારી તંત્રને રજૂઆત કરી છે

 

(11:29 pm IST)