Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

ગુજસીટોક હેઠળ વિરમગામમાંથી ફ્રેક્ચર ગેંગના પાંચ પાંચ આરોપીઓની ધરપકડ : હજુ ચાર આરોપી ફરાર

અમદાવાદ ગ્રામ્યમાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો : ફ્રેક્ચર ગેંગની 43 ગુનાઓમાં સંડોવણી

અમદાવાદ : ગુજરાતમાં ગુજસીટોક હેઠળ વધુ એક ગેંગ સામે ફરિયાદ નોંધાઈ છે.અમદાવાદ ગ્રામ્યમાં આવેલ વિરમગામ ટાઉનનાં ફ્રેક્ચર ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં હજુ પણ ચાર આરોપીઓ ફરાર છે. અમદાવાદ ગ્રામ્યમાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે

અમદાવાદ ગ્રામ્યમાં GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના 9 આરોપીઓમાંથી 5 આરોપીઓ ઝહીર કુરેશી, અસલમ ખાનજાદા, વસીમ સિપાહી, સરફરાજ સિપાહી, આરીફની ધરપકડ કરી છે. આ આરોપી અમદાવાદ જિલ્લા સહિતના ત્રણ જિલ્લાઓમાં ફ્રેક્ચર ગેંગ તરીકે કુખ્યાત છે.

આ ગેંગમાં કુલ 9 શખ્સો સામેલ છે જેમાં મુખ્ય સફી કુરેશી આરોપી તરીકે પોલીસની તપાસમાં સામે આવ્યો છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી.જેમાં ચાર ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે જેમાં મુખ્ય આરોપી સફી કુરેશી, વસીમ બાડો, વસીમ બોળો અને મોહસીન બાટલો ફરાર છે.

ધરપકડ કરાયેલી ફ્રેક્ચર ગેંગની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો અમદાવાદ જિલ્લા સહિત હિંમતનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમદાવાદ શહેરમાં કુલ 43 ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. જેમાં શરીર સંબંધી,મિલકત સંબંધી,ધાડ, લૂંટ, અપહરણ, હત્યાનો પ્રયાસ,પશુઓની હત્યા, રાયોટિંગ, હથિયારોની હેરાફેરી સ્ત્રીઓ પર અત્યાચાર, સરકારી કર્મચારી પર હુમલા અને મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરવાના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

આ ફ્રેક્ચર ગેંગ ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા દસ વર્ષથી સક્રિય હતી. પોલીસને બાતમી મળતા GUJCTOC હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓને ધરપકડ કરવાની કાર્યવાહી સહિતની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.

આ ગેંગનું નામ ફ્રેક્ચર ગેંગ એટલા માટે પડ્યું કે આ ગેંગ સામેના વ્યક્તિને માર મારી હાથ અને પગમાં ફ્રેક્ચર કરી નાખે છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસે હાલ આ પ્રક્રિયા હાથ ધરી છે કે દસ વર્ષથી આ ગેંગે ગુના આચરી જે પૈસા બનાવી મિલકત ખરીદી છે તેની ગણતરી કરી ટાંચમાં લેવાશે. આ ગેંગનો સફાયો કરવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ છેલ્લા ત્રણ મહિનાથી એડી ચોટીનું જોર લગાવી રહી હતી અને અંતે ગેંગ GUJCTOC કાયદાના સકંજામાં આવી ચૂકી છે.

(10:43 pm IST)