Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

મ્યુકર માઈકોસિસ’ બીમારીમાં સપડાયેલા વકીલને 60 હજાર ચૂકવવા ગુજરાત બાર કાઉન્સિલનો નિર્ણય

કોરોનામાં મુત્યુ પામેલા ધારાશાસ્ત્રીઓના વારસદારોને વધુ 80 લાખ ચૂકવવા પણ નિર્ણય કરાયો

ગાંધીનગર: કોરોનામાં મુત્યુ પામેલા ધારાશાસ્ત્રીઓના વારસદારોને ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આજે વધુ 80 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે મ્યૂકર માઈકોસિસ બીમારીમાં સપડાયેલા ધારાશાસ્ત્રીઓને 60 હજાર રૂપિયા ચૂકવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. Mucormycosis patients

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટ હેઠળ ગુજરાત બાર કાઉન્સિલના રોલ પર ધારાશાસ્ત્રીઓ નોંધાયેલા છે. તે પૈકી જે ધારાશાસ્ત્રીઓ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય હોય અને નિયમિત રીન્યુઅલ ફી ભરેલી હોય તેમ જ કોરોના જેવી મહામારીમાં સપડાયેલા હોય તેવા મૃત્યુ પામનારા ધારાશાસ્ત્રીઓના વારસદારોને વેલ્ફેર ફંડ એક્ટ હેઠળ મૃત્યુ સહાય ચૂકવવા માટે ગુજરાત બાર કાઉન્સિલના પ્રમુખ હીરાભાઇ પટેલ, એડમીનીસ્ટ્રેટીવ કમિટીના સભ્ય રમેશચંદ્ર શાહ તેમ જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાય સમિતિના ચેરમેન દિલીપ પટેલ તેમ જ સભ્ય દિપેન દવે તેમ જ વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહીલની હાજરીમાં વેલ્ફેર ફંડ એક્ટ હેઠળ સભ્યોના વારસદારોને મુત્યુ સહાય ચુકવવા માટે આજે બેઠક યોજાઇ હતી. Mucormycosis patients

આ બેઠકમાં કોરોનાના કારણે કે પછી કુદરતી રીતે મૃત્યુ પામેલા 72 સભ્યોના વારસદારોની અરજીઓ હાથ પર લીધી હતી. આ અરજીઓ પરની ચર્ચા બાદ પૂર્તતા ધરાવતી અરજીઓમાં આજના દિવસમાં 80 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જયારે અપુર્તતા ધરાવતી અરજીઓ પૂર્તતા કરવા માટે મૃતકના વારસદારોને સૂચના આપવામાં આવી છે.

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા છેલ્લાં 5 માસમાં જાન્યુઆરીથી મે-2021 સુધીમાં ગુજરાતમાં 150 જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોને આશરે રૂપિયા 4 કરોડ જેટલી સહાય ચૂકવવાનો નિર્ણય એડમીનીસ્ટ્રેટીવ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. તેમ જ આજે મૃતકના વારસદારોને 80 લાખ જેટલી રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો છે..

ગુજરાત બાર કાઉન્સિલના ઇન્ચાર્જ સેક્રેટરી પી.એમ. પરમારે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત બાર કાઉન્સિલની માંદગી સહાય કમિટી દ્વારા ગુજરાતના કોઇપણ ધારાશાસ્ત્રી મ્યુકર માઇક્રોસીસની બીમારીમાં સપડાયા હોય તો તેમને 60 હજાર સુધીની સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. Mucormycosis patients

ઉલ્લેખનીય છે કે, ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા વર્તમાન કોવિડ મહામારીમાં આશરે 1500 જેટલા ધારાશાસ્ત્રીઓને રૂપિયા 2 કરોડ જેટલી તાકીદે માંદગીસહાય ચૂકવવામાં આવી છે

(9:40 pm IST)