Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

વાવાઝોડામાં નુકસાન પામેલા રહેણાંક હેતુ માટે સરકારના ભંડોળમાંથી ખાસ કિસ્સા તરીકે રૂ. ૯૫,૧૦૦ સુધીની સહાય

તાઉ’તે વાવાઝોડાના અસરગ્રસ્તો માટે માત્ર છ દિવસમાં જ રૂપાણી સરકાર દ્વારા અભ્યાસ- સર્વે કરીને ‘આર્થિક પેકેજ’ જાહેર:વાવાઝોડા પહેલા બચાવ કામગીરી અને વાવાઝોડા બાદ રાહત કામગીરી સરકારની પ્રથમ પ્રાથમિકતા

અમદાવાદ :ગુજરાતમાં તાઉ’તે વાવાઝોડા પહેલા બચાવ કામગીરી અને વાવાઝોડા બાદ રાહત કામગીરી સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે તાઉ’તે વાવાઝોડા આવતા પહેલા કરેલું માઇક્રોપ્લાનિંગ, લોકોનો સહયોગ અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી યુદ્ધના ધોરણે બે લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતરના પરિણામ ગુજરાતમાં વાવાઝોડાથી મોટી જાનહાની ટાળી શકાઇ છે.
  વાવાઝોડાના કહેર બાદ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત કરીને આ ગામોમાં વીજળી-પાણી, જાનહાની, પશુ મૃત્યુ, મકાનો, ઝૂંપડા- કેટલ શેડને નુકસાન, ખેતી બાગાયતી પાકો તેમજ માછીમારો માટેની બોટને નુકસાન સહિતની કામગીરીનો વહીવટી તંત્ર દ્વારા માત્ર છ જ દિવસમાં એટલે કે તા. ૧૭ મેના રોજ વાવાઝોડા બાદ યુદ્ધના ધોરણે આ નુકસાનનો સર્વે કરાવવામાં આવ્યો. માત્ર નુકસાનીનો સર્વે જ નહીં પણ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સમગ્ર પરિસ્થિતિ- ગંભીરતાને ધ્યાને લઈને તા. ૨૩ મે, ૨૦૨૧ના રોજ આ વિસ્તારના લોકો માટે આર્થિક પેકેજ જાહેર કરતો ઠરાવ પણ બહાર પાડીને સામાન્ય લોકો પ્રત્યે રાજ્ય સરકારની સંવેદનશિલતા અને વહીવટી પ્રગતિશિલતાના દર્શન કરાવ્યા હતા.
 રાજ્યમાં તા. ૧૭ અને ૧૮ મે, ૨૦૨૧માં આવેલ તાઉ’તે વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં સંપૂર્ણ કે આંશિક રીતે નુકસાન પામેલા રહેણાંકના હેતુ માટે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ- SDRF ઉપરાંત રાજ્ય સરકારના ભંડોળમાંથી ખાસ કિસ્સા તરીકે સહાય આપવા તા. ૨૩ મે, ૨૦૨૧ના માત્ર છ દિવસમાં જ ઠરાવ કરીને અસરગ્રસ્ત લોકોના હિતની મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
   જેમાં વાવાઝોડાના કારણે સંપૂર્ણ નાશ પામેલ અથવા મોટું નુકશાન પામેલ રહેણાક કાચા/પાકા મકાનોને SDRFમાંથી કુલ રૂ. ૯૫,૧૦૦ની સહાય, અંશત: નુકસાન પામેલા રહેણાંકના કાચા/પાકા મકાનો એટલે કે છાપરા-નળિયા ઉડી ગયા હોય, કોઇ દીવાલ ધરાશાયી થઈ ગઈ હોય તેવા કિસ્સામાં પાકું મકાન હોય તો રૂ. ૫,૨૦૦ની સહાય SDRFમાંથી તેમજ રૂ. ૧૯,૮૦૦ રાજ્ય સરકારના બજેટમાંથી મળી કુલ રૂ. ૨૫,૦૦૦ની સહાય અને કાચું મકાન હોય તો રૂ. ૩,૨૦૦ની સહાય SDRFમાંથી તેમજ રૂ. ૨૧,૮૦૦ની સહાય રાજ્ય સરકારના બજેટમાંથી મળી કુલ રૂ. ૨૫,૦૦૦ની સહાય આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.  
   આ ઉપરાંત સંપૂર્ણ નાશ પામેલ કે આંશિક નુકસાન પામેલ ઝુંપડાઓને રૂ. ૪,૧૦૦ની સહાય SDRFમાંથી તેમજ રૂ. ૫,૯૦૦ રાજ્ય સરકારના બજેટમાંથી મળી કુલ રૂ. ૧૦,૦૦૦ની સહાય, ઘર સાથેના કેટલ શેડને થયેલ નુકસાન માટે રૂ. ૨,૧૦૦ની સહાય SDRFમાંથી તેમજ રૂ. ૨,૯૦૦ રાજ્ય સરકારના બજેટમાંથી મળી કુલ રૂ. ૫,૦૦૦ની સહાય જાહેર કરી છે.  
  અત્રે ખાસ નોંધનીય છે કે, વાવાઝોડામાં નુકસાનના વળતરમાં કોઇપણ અસરગ્રસ્ત રહી ન જાય તેવા અભિગમથી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે જે કિસ્સામાં સરકારી/ પંચાયતની જમીન પર દબાણ કરીને બનાવેલ રહેણાંકના મકાનોને અથવા અનધિકૃત રીતે બનાવેલ કાચા/પાકા રહેણાંકના મકાનોને સંપૂર્ણ કે આંશિક નુકશાનના કિસ્સામાં માનવતા ધોરણે સામાન્ય મકાનોની જેમ આવા મકાનોને સહાય રાજ્ય સરકારના બજેટમાંથી ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

(6:33 pm IST)