Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

મહેમદાવાદમાં રાત્રીના સમયે મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોનાના દાગીના સહીત 6 લાખની રોકડની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

મહેમદાવાદ :શહેરની એક સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. રાત્રીના સમયે પરિવાર સૂઇ જતા લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લઇ તસ્કરો ફરાર થઇ ગયા છે. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર મહેમદાવાદ શહેરના રાઘેકિશન પાર્ક ફલેટમાં રહેતા પ્રેરકકકુમાર જોશી રહે છે.ગતરોજ તા.૨૨ ના તેમના પિતાની બીજી વાર્ષિક પૂર્ણતિથી હતી. જેથી ભજન પાઠ રાખ્યા હતા. દિવસ દરમ્યાન ભજન પાઠ પૂર્ણ કરી રાત્રીના એક વાગ્યાની અરસામાં પરિવારજનો સૂઇ ગયા હતા. આજે સવારે પરિવારજનો જાગ્યા હતા.તે સમયે બનેવી જીજ્ઞોશકુમાર ઠાકર ચાર્જમાં મૂકેલ મોબાઇલની તપાસ કરતા મળી આવ્યો ન હતો.જેથી તેમને અન્ય પરિવાર સભ્યોને પૂછયુ હતુ.વળી ઘરના અન્ય સભ્યો મંદિરવાળા રૂમમાં જોતા તિજોરી તેમજ બહેન નંદિનાની પાકીટીમાંથી પણ કેટલીક વસ્તુઓ ચોરાઇ હોવાનુ માલૂમ પડયુ હતુ.આ બાદ પરિવારજનોએ ખાતરી કરતા સોનાના દાગીના કિ. રૂા. ૬, ૫૩, ૦૦૦, ચાંદીના દાગીના કિ. રૂા. ૨૯, ૦૦૦, મોબાઇલ ફોન નંગ-૩ કિ. રૂા. ૧૫, ૦૦૦, રોકડ રૂા. ૯૩, ૦૦૦ એમ મળી કુલ રૂા. ૭, ૯૦, ૦૦૦ ના મૂદ્દામાલની ચોરી થઇ હોવાનુ બહાર આવ્યુ હતુ.

આ બનાવ અંગે પરિવારને આશંકા છે કે અજાણ્યા ચોર ઇસમો મકાનની પાછળના ભાગે આવેલ ઝાંપા તેમજ ઘાબાના પાણીના નિકાલની પાઇપ મારફતે પતરાના શેડ ઉપર ચઢયા હશે,આ બાદ મકાનના મંદિરવાળા રૂમની દિવાલની સ્વાઇડરવાળી કાચની બારી ખોલી રૂમમાં પ્રવેશ કરી સોના-ચાંદીનાના દાગીના અને મોબાઇલ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હશે.આ બનાવ અંગે પ્રેરકકુમાર રજનીકાંત જોશી રહે,રાધેકિશન પાર્ક ફલેટે મહેમદાવાદ પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:49 pm IST)