Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

વડોદરાના કલાલી વિસ્તારમાં ચોરીના ઇરાદે ઘુસેલ બે ગઠિયાને લોકોએ રંગેહાથે ઝડપી પોલીસ હવાલે કર્યા

વડોદરા:શહેરના કલાલી વિસ્તારના  ચાણક્ય નગરી વુડાના મકાનમાં ચોરી કરવા ઘૂસેલા વિસ્તારમાં જ રહેતા બે વ્યક્તિઓને મકાનમાલિકે રંગેહાથ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીના મોબાઈલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા ચાણક્ય નગરી વુડાના મકાન બ્લોક નંબર 7 માં રહેતા વિજયભાઈ વર્માનો પરિવાર ગઈકાલે રાત્રે નિંદ્રાધીન હતો. ગરમીના કારણે પરિવારે ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો વહેલી સવારે બેડરૂમમાં અવાજ આવતા પરિવાર જાગી ઉઠ્યો હતો ઘરમાં ચોર હોવાનું જણાતા પરિવારે શોર મચાવ્યો હતો જેના કારણે સ્થાનિકો દોડી આવતા અને પરિવારના સભ્યોએ મળીને ચોરી કરવા આવેલા બન્ને શખ્સોને ઝડપી પાડયા હતા ઝડપાયેલા બન્ને શખ્સો સુભાષ માળી અને નિતીન પરમાર (બંને રહે- ચાણક્ય નગરી વુડાના મકાન) હોવાનું બહાર આવ્યું હતું ઘટનાની જાણ પોલીસને કરતા માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી આરોપીઓની અંગ જડતી કરતાં તેમના ખિસ્સામાંથી વિજયભાઈના મકાનમાંથી ચોરેલા બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓની ચોરીના ગુનામાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:42 pm IST)