Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

ગોધરા તાલુકાના જુનીધરી ગામમાં લગ્ન પ્રસંગે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતો વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ કાંકણપુર પોલીસ દ્વારા વરરાજાના માતા પિતા, ડીજે સંચાલક સહિત સામે ગુનો નોંધી કાર્યવાહી

પંચમહાલ: કોરોના મહામારીની બીજી લહેરમાં સર્જાયેલી ચિંતાજનક સ્થિતિ પછી પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સુધારવાનું નામ લેતાં નથી. આવા જ દ્રશ્યો ગોધરા તાલુકાના જુનીધરી ગામમાં લગ્ન પ્રસંગે યોજાયેલા એક વરઘોડાના સામે આવ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ કાંકણપુર પોલીસે વરરાજાના માતા પિતા, ડીજે સંચાલક સહિત સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

હાલ ચાલી રહેલા કોરોનાકાળમાં કેટલાક લોકોની બેદરકારીનો ભોગ નિર્દોષ વ્યક્તિઓ બની સંક્રમિત થઈ રહ્યા છે. શહેરી વિસ્તારોમાં સીમિત રહેલો કોરોના હવે ગ્રામ્ય વિસ્તારોમાં વકર્યો છે. તાજેતરમાં જ કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ છે જેમાં કોરોનાના કેસમાં અધધ માત્રામાં વધારો થવા ઉપરાંત મૃત્યુઆંક પણ વધી ગયો હતો.

આ વણસતી પરિસ્થિતિ સામે અંકુશ મેળવવા માટે સરકારે આંશિક લોકડાઉન કર્યુ હતું અને જાગૃત નાગરિકોએ પોતાના ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કર્યા હતા. આ તમામ પ્રયાસો પછી કેસની સંખ્યામાં ઘટાડો થતાં હાલ અંશતઃ રાહતની સ્થિતિ છે. ત્યાં જ ગ્રામ્ય વિસ્તારોમાં હવે લગ્ન પ્રસંગોમાં લોકો કોરોના મહામારી પુરી થઈ ગઈ હોય એમ ફરી બિન્દાસ બની ફરતાં જોવા મળી રહ્યા છે.

ગોધરા તાલુકાના જુનીધરી ગામમાં રવિવારે રાત્રે લગ્ન પ્રસંગનો વરઘોડો યોજાયો હતો જેમાં 200 જેટલા લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વગર જ બિન્દાસ્ત ડીજેના તાલે નાચતાં જોવાયા હતા અને જેનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.આ અંગે પોલીસે જવાબદાર લોકો સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છેકે પોલીસ ગુનો નોંધે અથવા કોઈ જાગૃત વ્યક્તિ વિડિઓ વાયરલ કરે તો જ લોકોની શાન ઠેકાણે આવે એ કેટલા અંશે વ્યાજબી કહીં શકાય ? લોકો સ્વયં જનજાગૃતિ નહિં દાખવે અને આજ સ્થિતિ યથાવત રહેશે તો કોરોનાની ત્રીજી લહેર ગ્રામ્ય વિસ્તારોમાં નજીકના જ દિવસોમાં આવશે જેમાં બે મત નથી !!

(5:02 pm IST)