Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

ધો. ૧૦ માસ પ્રમોશન બાદ છાત્રોની માર્કશીટ કેવી અને શેના આધારે તૈયાર કરવી ? મુંઝવણ

તજજ્ઞોની એક બેઠક મળી... જે અનિર્ણીત રહી... હવે ફરી બેઠક મળશે

રાજકોટ તા. ૨૪ : કોરોના મહામારીમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો. ૧૦ના ૮ લાખ ૩૫ હજાર છાત્રોને માસ પરમોશન આપ્યું છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે ખુદ શિક્ષણ વિભાગની કસોટી શરૂ થઇ હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. ધો. ૧૦માં માસ પ્રમોશન આપનાર છાત્રોનેગુણ કેવી રીતે આપવા ? તે પ્રશ્ને તજજ્ઞોએ ચિંતન શરૂ કર્યું છે.

કોવિડ-૧૯ની સ્થિતિમાં ધો. ૧૦ના છાત્રોને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. હવે ગુણપત્રક તૈયાર કરવા તેમજ અન્ય નિતીવિષયક નિર્ણય કરવા મળેલી બેઠક કોઇ નિર્ણય વગર પૂરી થઇ હતી અને હવે આગામી દિવસોમાં ફરી ઉચ્ચ અધિકારીઓની બેઠક મળશે.

તાજેતરમાં ધો. ૧૦માં માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓના ગુણનું મૂલ્યાંકન કઇ રીતે કરવું ? કયાં આધારે ગુણ આપવા ? તે અંગે બેઠકમાં સભ્યોએ તેના વિચારો રજૂ કર્યા હતા.

ધો. ૧૦માં માસ પ્રમોશનની અચાનક થયેલી જાહેરાત પૂર્વે તેની ભવિષ્યની અસર, ધો. ૧૧ અને ડીપ્લોમાં કોર્ષના પ્રવેશ ધોરણ નક્કી ન થતા છાત્રો - વાલી અને શાળા સંચાલકો, શિક્ષકો અવઢવમાં છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટુંક સમયમાં આ અંગે નિર્ણય કરીને જરૂરી માર્ગદર્શન આપવા પ્રચંડ માંગ ઉઠી છે.

આવનારા દિવસોમાં આ અંગે અહેવાલ કે પ્રસ્તાવ તૈયાર કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ રજૂ થશે. બાદ ચોક્કસ નિતિને આધારે માસ પ્રમોશન મેળવનાર ધો. ૧૦ના છાત્રોની માર્કશીટ તૈયાર થશે.

(3:49 pm IST)