Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

સુરતના ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા ઉનાના અસરગ્રસ્તો માટે અનાજની ૨ હજાર કીટ અર્પણ

ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ સુરત દ્વારા ઉનાના વાવાઝોડાગ્રસ્ત લોકો માટે સંતો અને સ્વયંસેવકોના શ્રમથી અનાજની ૨ હજાર કીટ તૈયાર કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૨૪ :  પડતા ઉપર પાટુ મારી રહેલ કુદરતની કળાને કળવી કઠણ છે. કોરોનાએ લોકોની આર્થિક કેડ ભાંગી નાખી ત્યાં તાઉતે વાવાઝોડાએ કેટલોએ વિનાશ વેર્યો. ખેડૂતો અને ગરીબ પરિવારોને આ વાવાઝોડાએ પોતાનો શિકાર બનાવ્યા. ખંત અને ખુમારીથી જીવનારી સૌરાષ્ટ્રની પ્રજાને સુરત શહેર તન,મન અને ધનથી સહાય કરી રહ્યું છે.

શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાં અનુસાર સુરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની મુખ્ય રાજકોટ સંસ્થાનથી કોરોના ગ્રસ્તોની સેવા ચાલુ છે એ ઉપરાંત ગુરૂકુળના અધ્યક્ષ સદગુરૂવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી રાજકોટ તથા અમરેલી જિલ્લાના તરવડા ગુરુકુલથી પણ વાવાઝોડા ગ્રસ્સ્તોની સેવા  શરૂ કરવામાં આવેલ છે.

ઉના આનંદગઢ ખાતે આવેલ રાજકોટ ગુરૂકુળની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળને વાવાઝોડાએ સારૂ એવું નુકશાન પહોંચાડેલ છે છતાં પણ ત્યાં રહેલા સંતો શ્રી હરિવદનદાસજી સ્વામી, કેશવપ્રિય દાસજી સ્વામી તથા શ્રી સર્વજ્ઞ સ્વામી લોકોને સહાયરૂપ થઈ રહ્યા છે.

નીલકંઠધામ પોઇચાથી સંતો શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી , શ્રી કલ્યાણદાસજી સ્વામી, યુવાનોની ટીમ સાથે તારીખ ૨૦ના રોજ ઉના પહોંચી લોકસેવા કરી રહ્યા છે.

સુરત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળને સમર્પિત યુવાનો દ્વારા સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટે જીવનજરૂરી સામાન ઘઉંનો લોટ, તેલ, ખાંડ,  દાળ, તુવેર દાળ, મગ દાળ વગેરે સાથેની કીટો લઈને એક ટીમ આજે રવાના થયેલ.

આ પ્રસંગે સદગુરૂ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા ટ્રસ્ટના પ્રમુખ શ્રી હિતેશભાઈ લાલજીભાઈ પટેલ ઉગામેડી,  ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ રાખોલીયા, પ્રકાશભાઈ રાખોલીયા, હિતેશભાઈ હપાણી શૈલેષભાઈ ગોટી, ઇશ્વરભાઇ ધોળકિયા, મેહુલભાઈ સુતરીયા  વગેરે ઉપસ્થિત રહેલ.

ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ સુરતના કાર્યકર્તાઓ શ્રી લાલજીભાઈ તોરી, ભગવાનજીભાઈ કાકડીયા તથા કમલેશભાઈ કુંભાણીના માર્ગદર્શન અનુસાર ૪૦ ઉપરાંત સ્વયંસેવકો તથા સંતો દ્વારા અનાજ વગેરે જીવન જરૂરીયાત ચીજોની ૨૦૦૦ કીટો તૈયાર કરવામાં આવેલ.

(3:48 pm IST)