Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

દેશ માટે જરૂરી શિક્ષણ, સેવા, સ્વાસ્થ્ય ક્ષેત્રે સ્વામિનારાયણ સંપ્રદાય મોખરેઃ નીતિન ગડકરી

કુંડળધામ આયોજિત ઓનલાઇન સહાનુભૂતિ સમારોહને સંબોધતા કેન્દ્રીય મંત્રી

શ્રી કુંડળધામ (બોટાદ જિલ્લા) અને કારેલીબાગ (વડોદરા) સ્વામીનારાયણ મંદિર આયોજિત કોરોના પેશન્ટ સહાનુભૂતિ ઓનલાઇન સમારોહ પ્રસંગે કેન્દ્રીય ભૂમિ પરિવહન પ્રધાન શ્રી નીતિન ગડકરી, સંસ્થાના વડા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સંત વલ્લભદાસસ્વામી, નાર ગોકુલમ્ના શુકદેવપ્રસાદ સ્વામી વગેરેએ સંબોધન કરેલ તે પ્રસંગની તસ્વીર. સંચાલન દયાળુસ્વામીએ કર્યુ હતું.

રાજકોટ તા. ર૪ :.. કોરોના મહામારીમાં દર્દીઓને સહયોગ અને હુંફ-બળ આપવા માટે શ્રી સ્વામીનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામ દ્વારા શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી વર્ચ્યુઅલ કોવિડ પેશન્ટસ સહાનુભૂમિ સમારોહ -ર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી, નાર ગોકૂલમ્ના સ્થાપક શુકદેવપ્રસાદ સ્વામી વિગેરે સંતો તથા મુખ્ય અતિથી રૂપે કેન્દ્ર સરકારના કેબીનેટ મંત્રીશ્રી નીતિન ગડકરીજી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતાં. નીતિન ગડકરીજીએ સ્વામીનારાયણ સંપ્રદાયની વિભિણ ૪પ ઉપરાંત સંસ્થાઓ દ્વારા આચાર્યશ્રી તથા સંતોની પ્રેરણાથી કોરોના કાળમાં ચાલુ રાહત કાર્યનું વર્ચ્યુઅલ અવલોકન કરી પ્રસન્નતા વ્યકત કરી હતી.

શ્રી નિતીન ગડકરીએ સ્વામીનારાયણ રાહત કર્યોને બિરદાવતા કહયું કે આ એક વૈશ્વિક સંકટ છે. સકારાત્મકતા અને આત્મ વિશ્વાસ, આ બે આયુધોથી તથા આ બધા સંતોના આશીર્વાદ અને સંસ્થાઓના સહકારથી આપણે આ લડાઇને અવશ્ય જીતીશું. વસુધૈવ કુટુમ્બકમની આપણી સંસ્કૃતિ છે એટલે આપણે એક થઇને પરસ્પર સેવામાં લાગીશું તો ચોકકસ આ પરિસ્થિતિમાંથી બહાર આવીશું. ગડકરીએ પ્રસન્નતા દાખવી કે કોરોના કાળ દરમ્યાન સ્વામીનારાયણ સંપ્રદાયે મંદિરો, ગુરૂકુળો અને અનેક સંસ્થાઓને દવાખાનાઓમાં બદલીને સમાજમાં એક આદર્શ પુરો પાડયો છે. શિક્ષા, સ્વાસ્થ્ય અને સેવા - ભાવનાના વિકાસથી જ કોઇપણ દેશનો વિકાસ થાય છે અને શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય આ ત્રણેમાં કાર્યરત છે.

ગડકરીએ કહયું કે આ બીમારીમાં ઓકસીજનની સખ્ત જરૂર પડે છે. આખા દેશમાં દવાનું ઉત્પાદન ગુજરાતમાં વધુ થાય છે તો ગુજરાતના ઉદ્યમીઓને આવાહન છે કે કોરોનામાં લગતા રેમડેસીવીયર અને બ્લેક ફંગસની દવાની શોધ થાય અને આ દવાઓ દેશમાં ઓછી કિંમતે પુરતી માત્રામાં   નિર્માણ કરાય.

શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આખા ધર્મ સમાજને એક થઇ આ કાળામાં બને એટલી સેવા કરવાનું આવાહન કર્યુ. અને કહ્યું કે આવા કાળમાં સ્વામીનારાયણ ભગવાને એમના આશ્રીતોને જીવનપર્યત દીન-દુઃખી અને રોગીઓની સેવા કરવા અને દયાભાવ રાખવા માટે આદેશ કર્યો છે. આ મદદ વાત્સલ્યભાવથી કરવી જોઇએ કેમ કે કર્તા ભાવ રાખી આપદામાં સહાય રૂપ થઇ રહ્યો છે અને થતો રહેશે. આવા સમયમાં આપણા ધૈર્ય, કાર્યક્ષમતા અને સામર્થ્યની પરીક્ષા થાય છે.

વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામીએ સભામાં લોકોને જણાવ્યું હે હોસ્પિટલોનો ભાર ઓછો કરવા માટે સ્વામીનારાયણ સંપ્રદાયના ઘણા બધા મંદિરો અને સંસ્થાઓએ પોતાના મંદિરો, ધર્મશાળા, આશ્રમો લોકહિત માટે કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કરી દીધા છે.

વડતાલ મંદિરના કોઠારીશ્રી ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું કે આ કપરા કાળમાં આખા દેશના સંત સમાજનું કર્તવ્ય છે કે લોકોના મનોબળને વધારવું. એટલે જ સ્વામીનારાયણ સંપ્રદાય અનેક કોવીડ કેર સેન્ટરોનું સંચાલન કરે છે.

નાર ગોકૂલમ્ ગુરૂકુળના સ્થાપક  શુકદેવપ્રસાદ સ્વામીએ પણ જણાવ્યું કે સ્વામીનારાયણ સંપ્રદાયના લગભગ ૧૭૦૦ જેટલા સંતો આઇસોલેશન સેન્ટર અને ટીફીન સેન્ટર વગેરે સેવાઓ દ્વારા સરકારની સાથે ખભે ખભો મેળાવી જનસેવામાં લાગ્યા છે.સહનૂભૂતિ સમારોહ ઇન્ટરનેટ ઉપર યુ-ટયુબ  ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર હેન્ડલ દ્વારા વિશ્વમાં અને ટીવી ચેનલ ઉપર મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે બીજા અનેક રાજયોમાં લાઇવ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં વર્ચ્યુઅલી લાખો લોકો જોડાયા હતાં. તેમ અલૌકિકસ્વામી જણાવે છે.

(3:47 pm IST)