Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

મોહિની એકાદશી પર્વે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા કડીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના મનોરમ્ય કલાત્મક શણગાર - વાઘા...

હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. એકાદશી એક મહિનામાં બે વાર આવે છે, જેનું વ્રત રાખવું શુભ માનવામાં આવે છે. વૈશાખ મહિનાની શુકલ પક્ષની એકાદશી તિથિને મોહિની એકાદશી કહેવામાં આવે છે. ઘાર્મિક માન્યતાઓ અનુસાર, મોહિની એકાદશી પર વ્રત કરવાથી મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થયા છે.

મોહિની એકાદશીનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે. કથા અનુસાર, સમુદ્ર મંથન પછી અમૃત પીવા માટે દેવતા અને દાનવો વચ્ચે ઝઘડો ચાલ્યો ત્યારે ભગવાન વિષ્ણુ સુંદર નારીનું રૂપ લઈને દેવતા અને દાનવોની વચ્ચે પહોંચી ગયા હતા. તેમના આ રૂપથી મોહિત થઈને દાનવોએ અમૃતનો કળશ દેવતાને સોંપી દીધો. મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દેવતાઓને બધું અમૃત પીવડાવી દીધું. અને દેવતા અમર થઈ ગયા. આ ઘટનાક્રમ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદીશ તિથિ એ થયો એટલા માટે મોહિની એકાદશી કહેવામાં આવે છે.

શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રી પોતાની વાતોમાં જણાવે છે કે, પ્રતિમા એ સ્વયં ભગવાન જ છે અને આપણી સેવાને અંગીકાર કરે જ છે, તેવા ભાવ સાથે ભગવાનની પૂજા કરવી જોઈએ.

શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ પ્રસાદીભૂત ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ગોટીથી સ્વામિનારાયણ ભગવાનના સંતો - હરિભક્તો તે ચંદનથી કપાળમાં તિલક કરે છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના ગઢડા છેલ્લા પ્રકરણના ૨૩ મા વચનામૃતમાં કહ્યું છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. તે પ્રમાણે જ્યારે શિયાળો આવે છે ત્યારે ભગવાને ગરમ વસ્ત્રો ધરાવામાં આવે છે અને હીટર મૂકવામાં આવે છે. તેવી રીતે જયારે ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠડી પ્રાપ્ત થાય માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવામાં આવે છે. અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે. પરંતુ વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય, તદર્થે મલિયાગર શીતલ ચંદનના વાઘાના શણગાર પૂજનીય સંતો દ્વારા સજાવવામાં આવે છે.

મોહિની એકાદશી પર્વે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા કડીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના મનોરમ્ય કલાત્મક શણગાર - વાઘા ધરાવવામાં આવ્યા હતા. દેશ-વિદેશના હરિભક્તોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો.

(12:01 pm IST)