Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

બિયારણ-ખાતર વિતરણ પ્રારંભઃ વહાલોજી વરસે એટલે વાવણી

ગુજરાતમાં ૧પ જુન આસપાસ મેઘરાજાના ટકોરાઃ ખેડુતો મોસમની પુર્વ તૈયારીમાં : રાજય સરકાર પાસે ૭૪૭પર કવીન્ટલ મગફળીનું બિયારણ તૈયારઃ ૧૬૦૮૧ કવીન્ટલ બજારમાં મુકાયું: વધારાના પ૦ હજાર કવીન્ટલ દાણા તૈયાર

રાજકોટ, તા., ૨૪: રાજયમાં ચોમાસુ નજીક આવતા સરકાર અને ખેડુતોએ પુર્વ તૈયારી શરૂ કરી છે. સરકારે રાસાયણીક ખાતર પરની સબસીડી વધારવતા ખેડુતો પરનો વધારાનો બોજ ટળ્યો છે. જુના ભાવે ખાતર વિતરણ થઇ રહયુ઼ છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મગફળીનું બિયારણ વિતરણ વીજ નીગમ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ખેડુતોને વ્યાજબી ભાવે બિયારણ પુરૂ પાડવા કૃષી મંત્રી આર.સી.ફળદુના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા ગોઠવાયેલ છે.

સરકારી સુત્રોના જણાવ્યા મુજબ સરકાર પાસે ૭૪૭પર કવીન્ટલ મગફળીનું બિયારણ તૈયાર છે. જેમાંથી પ્રથમ તબકકે ૧૬૦૮૧ કવીન્ટલ વિતરણમાં મુકાયું છે. નિયછત ભાવે તેનું વિતરણ ચાલુ છે. તબક્કાવાર બિયારણ બજારમાં મુકાતુ રહેશે. ઉપરાંત બિયારણ તરીકે ઉપયોગી દાણાનો વધારાનો પ૦ હજાર કવીન્ટલ જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે. જરૂર પડયે ખેડુતો માટે તે બજારમાં મુકવામાં આવશે. સૌરાષ્ટ્ર અને સાબરકાંઠા, બનાસકાંઠા, જિલ્લામાં ખરીફ પાક તરીકે મગફળી મુખ્ય છે. ૧પ જુન આસપાસ વાવણી લાયક વરસાદ થવાની ધારણા છે.

ગુજરાતના સામાન્ય રીતે જૂન મધ્યમાં વાવણી લાયક વરસાદ થાય છે. આ વખતે ૧પ જૂન આસપાસ ચોમાસાની મોસમના મંડાણ થાય તેવા અત્યારના એંધાણ છે. કુદરતી રીતે ગમે ત્યારે વાતાવરણ પલટાઇ શકે છે. ગયા વખતે રપ જૂન આસપાસ વાવણી લાયક વરસાદ થયેલ. આ વરસે ચોમાસુ થોડુ વહેલુ દેખાય છે. હવામાન નિષ્ણાંતોએ રાજયમાં સરેરાશ ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ પડવાનો અંદાજ આપ્યો છે. સરકાર દ્વારા વરસાદ અને વાવાઝોડાની સંભાવનાના પગલે રાબેતા મુજબ આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. ખેડૂનો વાવણીની પૂર્વ તૈયારીમાં છે. ચોમાસામાં સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર થાય છે. છેલ્લા બે વર્ષના સારા ચોમાસા બાદ સતત ત્રીજા વર્ષે સારા ચોમાસાની આશા જાગી છે.

(11:36 am IST)