Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

રાજ્યમાં બ્લેક ફંગસનો ખતરો વધ્યો : અમદાવાદ સિવિલમાં દરરોજ 30થી વધારે થાય છે ઓપરેશન

રાજકોટની સિવિલમાં 500થી વધુ અને સુરતમાં 567 દર્દીઓ દાખલ

અમદાવાદઃ રાજ્યમાં એક તરફ કોરોના વાયરસ કહેર વર્તાવી રહયો છે બીજીતરફ મ્યુકોરમાઇકોસિસ રોગનો ખતરો પણ વધતો જાય છે. કોરોના બાદ થતાં મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓ ગુજરાતમાં દરરોજ વધી રહ્યા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં હાલ 500થી વધુ દર્દીઓ દાખલ છે. રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં પણ 500થી વધારે દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 567 દર્દી દાખલ છે. વડોદરાની સિવિલમાં 30 સર્જરી અને 11 નવા કેસ છે અને ગોત્રી હૉસ્પિટલમાં 67 સાથે કુલ 185 સારવાર હેઠળ છે. આના દર્દીઓનો આંકડો ધીરે ધીરે વધી જ રહ્યો છે જે ચિંતાનું કારણ છે

    સેરબ્રલ મ્યુકોરમાઇકોસિસનું પ્રમાણ વધુ છે. આ પ્રકારના મ્યુકોરમાઇકોસિસમાં રોગ એટલી હદે વકરે છે કે,જડબાની સર્જરી કરવી પડે છે. ફેફસામાં થતાં મ્યુકોરમાઇકોસિસને પલ્મોનરી મ્યુકર માઇકોસિસ તરીકે ઓળખાય છે જેનું પ્રમાણ ખૂબ નહિવત છે. આ જ રીતે, જી.આઇ મ્યુકોરમાઇકોસિસ જે આંતરડામાં થાય છે. ચામડીમાં પણ મ્યુકર માઇકોસિસ થઇ શકે છે. આ મ્યુકર માઇકોસિસના દર્દીઓની સંખ્યા પણ ખૂબ જૂજ જોવા મળે છે. મોટાભાગે કોરોના બાદ જ દર્દી મ્યુકોરમાઇકોસિસના રોગનો શિકાર બની રહ્યો છે.

(11:11 am IST)