Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

આજથી રાજ્યના ૧૦ શહેરોમાં ૧૮થી ૪૪ વય જૂથના લોકોને ૩૦ હજાર ડોઝને બદલે રોજના એક લાખ ડોઝ આપવાનો નિર્ણય

વિજયભાઇ રૂપાણીનો યુવા આરોગ્ય હિતકારી નિર્ણય : રસીકરણમાં હવે રોજના એક લાખ યુવાઓને આવરી લેવાશે

અમદાવાદ તા. ૨૪ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં કોરોના રસીકરણ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ રાજયમાં ૧૦ શહેરોમાં હાલ ચાલી રહેલી ૧૮ થી ૪૪ વય જૂથના લોકોની રસીકરણ કામગીરીમાં રોજના ૩૦ હજાર ડોઝ આપવામાં આવે છે તે વધારીને આજે સોમવાર ૨૪ મે થી એક અઠવાડિયા સુધી રોજના ૧ લાખ ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.

રાજયમાં ૧૮ થી ૪૪ ની વય જૂથના યુવાઓ નું રસીકરણ ઝડપથી અને વ્યાપક પણે થાય તેમજ વધુને વધુ યુવાઓને કોરોના સામેના આ અમોધ શસ્ત્ર એવા રસીકરણનો લાભ આપી કોરોનાથી સુરક્ષિત રાખવાના આરોગ્ય રક્ષા ભાવ સાથે વિજયભાઈ રૂપાણી એ આરોગ્ય વિભાગને આ ડોઝ એક સપ્તાહ સુધી ૧ લાખ ડોઝ રસીકરણ કરવા સૂચવ્યું છે.

વિજયભાઈ રૂપાણીના યુવા આરોગ્ય હિતકારી આ નિર્ણયથી  અગાઉ ૩૦ હજાર યુવાઓના રોજ થતા રસીકરણમાં હવે રોજ ના એક લાખ યુવાઓને આવરી લેવાશે

આ નિર્ણયને પરિણામે એક અઠવાડિયામાં અંદાજે ૮ લાખ યુવાઓને કોરોના રસીકરણ નો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશે.

આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગે આ રસીકરણ વ્યવસ્થા સુચારૂ અને સુઆયોજિત રીતે પાર પડે તે માટેનું આયોજન કર્યું ર્છેં.

અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિશા દર્શનમાં ગુજરાત દેશભરમાં પર મિલિયન વેકિસનેશનમાં અગ્રેસર રહ્યું છે.

ફ્રંટલાઈન વોરિયર્સ,૪૫ થી વધુ વયના લોકોના રસીકરણમાં ગુજરાતે આ અગ્રેસરતા મેળવ્યા બાદ હવે ૧૮ થી ૪૪ વય જૂથના લોકોનું પણ વ્યાપક અને ઝડપી રસીકરણ કરીને યુવાઓની આરોગ્ય રક્ષાક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર રહેવા રાજય સરકાર પ્રતિબદ્ઘ છે.

(10:06 am IST)