Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

કરજણ કેનાલ કામગીરીમાં ગુણવત્તાને લઈ ઉઠ્યા સવાલ : ગ્રામજનોએ અધિકારીનો આડે હાથ લીધા

કરજણ જમણા કાંઠા કેનાલની કામગીરીની ગુણવત્તાને લઈને થરીના ગ્રામજનોનો હોબાળો, એજન્સીના અધિકારીને જાહેરમાં ખખડાવ્યા:અધિકારીઓની ગેરહાજરી વચ્ચે કરજણ જમણા કાંઠા કેનલનું બેરોકટોક હલકી ગુણવત્તાનું કામ થતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ:અગાઉ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ કરજણ જમણા કાંઠા કેનાલ કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે એ માટે સીએમ રૂપાણીને રજુઆત કરી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના જીતગઢથી ગુવાર ગામ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે ચાલતા કરજણ જળાશય યોજનાના જમણાં કાંઠાની મુખ્ય નહેર બાંધકામ કામ ચાલી રહ્યુ છે.એ કામગીરીમાં ગુણવત્તા બરાબર જળવાતી ન હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવી એજન્સીના અધિકારીનો જાહેરમાં ઉધડો લીધો હતો.
હાલ નાંદોદના જીતગઢથી ગુવાર ગામ વચ્ચે કરજણ જળાશય યોજનાના જમણાં કાંઠાની મુખ્ય નહેરના બાંધકામ કામ ચાલી રહ્યુ છે, બની ગયેલી આગળની કેનાલમાં મોટી મોટી તિરાડો પડી જવાથી થરી ગામમાં લોકો રોષે ભરાઈ ઘટનાસ્થળ પર આવી હોબાળો મચાવ્યો હતો.મામલો ગરમાતા એજન્સીના ઈજનેર ત્યાં આવી પહોંચ્યા હતા દરમિયાન ગ્રામજનોએ ઈજનેરનો ઉધડો લેતા જણાવ્યું હતું કે તમારી કામગીરીમાં બિલકુલ ગુણવત્તા જળવાતી નથી, આગળની કેનાલમાં તો તિરાડો પડી ગઈ છે.જો તમારે સારી કામગીરી ન કરવી હોય તો કામ બંધ કરી દો.તમે લોકોએ અધિકારીઓ સાથે મળી સરકારની ખેડૂતલક્ષી યોજનાને પૈસા કમાવવાનું એક સાધન બનાવી દીધું છે.જો તમે હવે પછી સારી કામગીરી નહિ કરો તો અમે કામગીરી બંધ કરાવી દઈશું મુખ્યમંત્રીને રજુઆત કરીશું.
આ બાબતે થરી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અજિત શંકરલાલ પટેલે જણાવ્યું હતું કે આ કેનાલ બની ત્યાંતો થોડાંક જ દિવસમાં મોટી તિરાડો પડી ગઈ હતી.પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા એજન્સીએ તિરાડ પડેલી જગ્યાએ રાતો રાત સિમેન્ટ પુરી દીધી છે.સંબંધિત અધિકારીઓ પોતાની એ.સી ચેમ્બરમાં અથવા ઘરમાં બેસી રહે છે અને અહીંયા કેનાલનું ગુણવત્તા વગરનું કામ ચાલુ જ રહે છે, સિમેન્ટ-રેતી-કપચી ઓછી હોય છે એની જગ્યાએ મોટા મોટા પથરાઓનો ઉપયોગ કરાય છે.આ કેનાલ ભવિષ્યમાં વહેલી તૂટી જશે એમાં કોઈ જ બે મત નથી.
તો બીજી બાજુ ગ્રામજનોએ એમ પણ જણાવ્યું હતું કે જ્યારે આ કેનાલનું ન્હોતું થતું ત્યારે ખેડૂતોએ પોતાના ઘરના રૂપિયે પણ કેનાલમાં ગાબડાઓ રીપેર હતા.અમે કેનાલ રીપેર કરવાની રજૂઆત કરીએ ત્યારે ગ્રાંટ નથી અધિકાતીઓ એવા બહાના કાઢતા હતા.કેનાલમાં ગાબડું પડે ત્યારે અમે મહામુસીબતે અંદર ઉતરી ગાબડા જાતે રીપેર કરેલા છે.હાલમાં કેનાલ બની રહી છે ત્યાં આગળ મોટી તિરાડો પડી ગઈ છે.એક બાજુ કામ આગળ ચાલે છે તો બનેલી કેનાલમાં તિરાડો પડી રહી છે.આ કામમાં બિલકુલ ગુણવત્તા જળવાતી નથી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતના હીતને લગતા કરજણ જળાશય યોજનાના જમણા કાંઠાની મુખ્ય નહેરના ચાલટી કામની ગુણવત્તા અંગે સીધી જ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફરિયાદ કરી હતી.અને ગુણવત્તા વાળું કામ થાય એ માટે રાજ્ય સરકાર જે તે અધિકારીઓને સૂચના આપે એવી માંગ કરતા હોબાળો મચ્યો છે.

(10:26 pm IST)