Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

વડોદરામાં લુખ્ખા તત્વોનો આતંક: ચાલુ બાઇકે પરિણીતાની છેડતી કરી પતિ પર હુમલો

વડોદરા:શહેરના જેલરોડ પરથી ગત રાત્રે પતિ સાથે બાઈક પર જઈ રહેલી યુવાન પરિણીતાને ચાલુ વાહને એક  એક્ટિવાચાલક યુવકે આઈ લવ યુ કહીને છેડતી કરી હતી. આ અંગેનો પરિણીતાના પતિએ વિરોધ કરતાં એક્ટિવાચાલક અને તેના ત્રણ સાગરીતોએ દંપતી પર અકોટા બ્રિજ પાસે હુમલો કરી તેઓને માર માર્યો હતો અને ટોળું ભેગું થતાં ચારેય હુમલાખોરો ફરાર થયા હતા.

આરવીદેસાઈ રોડ પર રહેતી ૨૬ વર્ષીય પરિણીતા ગઈ કાલે રાત્રે તેના પતિ સાથે બાઈક પર જેલરોડથી મહારાણી શાંતાદેવી ચારરસ્તા તરફ પસાર થતી હતી તે સમયે તેઓની સામેથી એક્ટિવા પર ડબલસવારીમાં પસાર થઈ રહેલા બે યુવકો પૈકીના એક્ટિવાચાલકે પરિણીતાને ચાલુ વાહને આઈ લવ યુ બોલી છેડતી કરી હતી. આ અંગે પરિણીતાના પતિએ 'તુ કોણે આઈ લવ યુ કહે છે ?'તેમ પુછતા એક્ટિવાચાલકે તારી પાછળ બેઠી છે તેને કહુ છુ તેમ કહી તું આગળ આવ તને બતાવુ છું તેમ જણાવ્યું હતું.

આ વિગતોના પગલે દંપતીએ આગળ જઈ અકોટા બ્રિજના નાકે બાઈક ઉભુ કરતા જ એક્ટિવાચાલક અને તેની પાછળ બેઠેલો યુવકે નીચે ઉતરીને દંપતી પર હુમલો કર્યો હતો અને પરિણીતાનો હાથ ખેંચી રાખી અપશબ્દો કહ્યા હતા. આ દરમિયાન ડીઓ મોપેડ પર આવેલા યુવકોના અન્ય બે સાગરીતોએ પણ દંપતીને માર મારવાની શરૂઆત કરી હતી. આ બનાવના પગલે દંપતી સાથે એક્ટિવા પર પસાર થઈ રહેલી પરિણીતાની નણંદ અને તેના બે સંતાનોએ ગભરાઈને બુમરાણ મચાવતા ત્યાં ટોળું ભેગુ થયું હતુ જેના પગલે ચારેય હુમલાખોરો અકોટ બ્રિજ તરફ તેઓના વાહનો લઈ ફરાર થયા હતા. આ બનાવની પરિણીતાએ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. 

(6:02 pm IST)