Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

દલિત હત્યા પ્રકરણે માનવહક્ક પંચની ગુજરાત સરકારને નોટીસ

ઘટનાને માનવ અધિકાર ભંગનો ગંભીર ગુનો ગણાવ્યો પંચે

નવી દિલ્હી તા. ૨૩ : રાજપોરના શાપર નજીકની એક ફેકટરીના કમ્પાઉન્ડ નજીક પાંચ વ્યકિતએ એક દલિત પુરુષની મારપીટ કરીને કરેલી હત્યાની ઘટનાને મામલે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન-એનએચઆરસીએ ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી.

કચરો વીણવાનું કામ કરતા ૩૫ વર્ષના મૂકેશ વાણિયા અને તેની પત્ની જયાબેન વાણિયા સાથે ૨૦મી મેએ નિર્દય રીતે મારપીટ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

મૂકેશ અને તેની પત્ની જયાબેન ભંગારની ચોરી કરવા આવ્યા હોવાની શંકાને પગલે ફેકટરીના માલિક સહિત પાંચ વ્યકિતએ મૂકેશને ઢોેરમાર મારીને તેની હત્યા કરી હતી.

એનએચઆરસી દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યાનુસાર સમાચારપત્રના અહેવાલમાં આપવામાં આવેલી વિગતો સાચી હોય તો આ ઘટના અસરગ્રસ્તના માનવઅધિકારના ભંગનો ગંભીર મુદ્દો બને છે અને એ આધારે જ ગુજરાત સરકારના મુખ્ય સચિવને નોટિસ પાઠવી ચાર અઠવાડિયાની અંદર ઘટના અંગે અહેવાલ રજૂ કરવા તેમ જ અસરગ્રસ્ત પરિવારને રાહત પહોંચાડવા લેવામાં આવેલાં પગલાંની જાણકારી આપતો અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું.

વાયરલ થયેલા વીડિયોમાં ઘટનાનો ભોગ બનેલા મૂકેશ વાણિયાને બે વ્યકિત લાકડીથી વારાફરતી ફટકારતી જોવા મળતી હતી તો એક વ્યકિતએ મૂકેશની કમરમાં બાંધેલા દોરડા વડે તેને પકડી રાખી હોવાનું જોઈ શકાતું હતું.

એસસી/એસટી પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી (પીઓએ) એકટ તેમ જ હત્યા, મહિલા પર હુમલો અને બળજબરીપૂર્વક ગોંધી રાખવા સંબંધિત આઈપીસીની કલમ અંતર્ગત રાદડિયા ઈન્ડસ્ટ્રીઝના માલિક સહિત પાંચે આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું રાજયના ગૃહ ખાતાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું.

ગુનેગારો વિરુદ્ઘ સરકાર કડક પગલાં લઈ રહી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાદડિયા ઈન્ડસ્ટ્રીઝ નજીકથી અસરગ્રસ્ત દંપતી કચરો વીણી રહ્યું હતું ત્યારે તેને પકડી લઈ આરોપીઓ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો.

મૂકેશને સારવારાર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું મૃત્યુ નીપજયું હતું, એમ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ કહ્યું હતું. ઘટનાને મામલે પોલીસ તપાસ આરંભવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.(૨૧.૮)

(11:55 am IST)