Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ગુજરાતમાં તબલીગી જમાતને કારણે કોરોનાનો ચેપ ફેલાયો સીએમ રૂપાણીનો ઓનલાઈન વીડિયો દ્વારા પ્રજાજોગ સંદેશ

ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરતાં કેસ વધ્યા: વેન્ટિલેટર, પીપીઈ કીટ અને માસ્ક સહિતનો સાધન સામગ્રી જરૂર કરતાં વધારે પ્રમાણમાં ઉપલબ્ધ

 

અમદાવાદ ; મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઓનલાઈન વીડિયો માધ્યમ મારફતે પ્રજાજોગ સંદેશ જાહેર કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાતની જનતાને ગભરાવવાની જરૂર નથી. ગુજરાત પાસે પૂરતી હોસ્પિટલ, વેન્ટિલેટર, પીપીઈ કીટ અને માસ્ક સહિતનો સાધન સામગ્રી જરૂર કરતાં વધારે પ્રમાણમાં છે. સાથે તેઓએ એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં તબલીગી જમાતને કારણે કોરોનાનો ચેપ ફેલાયો છે.

કોરોનાને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું કે, ગુજરાતીઓએ લોકડાઉનનો અમલ કર્યો છે. ઘણાં લોકોએ મને અનેક સવાલ પૂછ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરામાં કેસ વધ્યા છે. ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરતાં કેસ વધ્યા છે. તબલીગી જમાતથી આવેલા લોકોને કારણે ચેપ ફેલાયો છે. 3 મે સુધીમાં વધુ લોકો કોરોનાથી મુક્ત થશે તેવો આશાવાદ CM રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.

ઉપરાંત સીએમ રૂપાણીએ જણાવ્યું કે, અમદાવાદ, સુરત, વડોદરામાં 70 ટકા કેસ છે. કેસની સંખ્યા વધે કે ઘટે પણ ડરવાની જરૂર નથી. કરફ્યૂ લગાવ્યો હોય તો ચેપ વધુ લાગતો તેમ સીએમએ જણાવ્યું હતું. 85 ટકા લોકોએ કોરોનાને માત આપી છે. આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે વ્યવસ્થા અનેક ઘણી કરી છે. રાજ્યમાં 9500 બેડની વ્યવસ્થા કરાઈ છે.

ઉપરાંત પ્રાઈવેટ હોસ્પિટલ શરૂ કરવાને લઈ સીએમ રૂપાણીએ કહ્યું કે, સરકારી હોસ્પિટલમાં તમામ સારવાર મફતમાં છે. અને ત્યાં ખાવા પીવા નાસ્તા સહિતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પણ જે લોકોને પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર કરાવવાની ઈચ્છા હોય તે લોકો માટે પ્રાઈવેટ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. સૌને સરકારી દવાખાનામાં ઉત્તમ સારવાર મળશે. ગુજરાતની કોવિડ હોસ્પિટલમાં ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. PPE કીટ પણ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ છે.

(11:00 pm IST)