Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

હોટસ્પોટ વિસ્તાર કોમ્યુનિટી ટાન્સફર તરફ આગળ વધ્યા

કેસોમાં જોરદાર વિસ્ફોટથી તંત્ર વધુ સાબદુ : અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાં ગંભીર સ્થિતિ : ખતરનાક ઝોન બનતા અટકાવવા તંત્રની દોડધામ

અમદાવાદ,તા.૨૪ : ગુજરાતમાં કોરોના વાયરસને લઇ સ્થિતિ અતિ ગંભીર અને ચિંતાજનક બનતી જાય છે. ખાસ કરીને આગામી દિવસોમાં અમદાવાદ શહેર સહિત રાજયના હોટસ્પોટ વિસ્તારોમાં કોરાનાને લઇ પરિસ્થિતિ બેકાબૂ અને ભયાવહ બને તેની દહેશત હવે ખુદ સરકાર અને તંત્રમાં બની છે. ગુજરાતમાં નવા કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાત હજુ બીજા સ્ટેજમાં છે. પરંતુ ગુજરાત માટે સૌથી ચોંકાવનારી અને આઘાતજનક બાબત છે કે, અમદાવાદ સહિતના હોટસ્પોટ વિસ્તારો સ્ટેજ-૨ના એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયા છે.

         ગુજરાતના હોટસ્પોટ વિસ્તારોમાં કોરોના કોમ્યુનિટી ટ્રાન્સફર થવાની દહેશત છે. કોરોનાને લઈ ગુજરાત માટે ગંભીર બાબત છે કે, કેટલાક વિસ્તાર એડવાન્સ સ્ટેજમાં હોવાનું સામે આવ્યું છે. બીજા સ્ટેજથી એક કદમ આગળ કેટલાક હોટસ્પોટ વિસ્તારમાંથી આવતા કેસ એડવાન્સના આવે છે. હાલ ગુજરાતના  ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ૧૫ જેટલા કોરોનાના હોટસ્પોટ વિસ્તારો છે. આજે ખુદ રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પણ અમદાવાદ શહેરની સ્થિતિને લઇ આગામી દિવસનો કોરોનાનો અંદેશો આપી દીધો છે. સરકારના મતે, ગુજરાતમાં કુલ ૧૫ હોટસ્પોટ વિસ્તાર છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગર સામેલ છે. ગુજરાતમા હાલ કુલ ૨૮૧૫ કેસ કોવિડ ૧૯ના છે,

        જે ગુજરાતના ૨૯ જિલ્લાઓમાં છે. પરંતુ ગુજરાત માટે અતિગંભીર અને ચિંતાનજક વાત છે કે, હોટસ્પોટમાં કમ્યુનિટી ટ્રાન્સફર વધશે. અત્યાર સુધી ગુજરાત કોરોના કેસ મામલે બીજા સ્ટેજમાં હતું, હવે ત્રીજુ સ્ટેજ આવશે, જેને ભયજનક માનવામાં આવે છે. આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિએ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ૧૦થી વધુ હોટસ્પોટ વિસ્તારો હવે ત્રીજા સ્ટેજમાં પ્રવેશ કરશે. અહીંથી મોટા પ્રમાણમાં કમ્યુનિટી ટ્રાન્સફર થતું હોય છે. આવામાં મોટી સંખ્યામાં લોકો કોરોનાગ્રસ્ત બનતા હોય છે. આંકડા પણ બતાવે છે કે જે રીતે દર્દીઓની સંખ્યા વધી છે, તેમાંથી ૫૦ ટકાથી વધુ કેસ હોટસ્પોટ વિસ્તારોમાંથી છે. જે વિસ્તારો માટે ખૂબ ભયાનક ગણાવી શકાય એમ છે. આમ, આગામી દિવસોમાં ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસોની સંખ્યામાં જોરદાર અને ચિંતાજનક ઉછાળો આવશે તેનો અંદાજ રાખીને અત્યારથી સરકાર, આરોગ્ય વિભાગ, સ્થાનિક વહીવટી તંત્ર સહિતના સત્તાવાળાઓ અગમચેતીના પગલા અને કામગીરીમાં જોતરાયા છે.

(10:11 pm IST)