Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અમદાવાદમાં કોરોના કેસની સંખ્યા ૮ લાખ સુધી જઇ શકે

અમદાવાદના મ્યુનિ કમિશનરના નિવેદનથી દહેશત : રમઝાનની શરૂઆત સાથે જ કોટ વિસ્તારમાં સંચારબંધી ઉઠાવી લેવાઈ : ખરીદી માટે પડાપડી થતાં નિયમનો ભંગ

અમદાવાદ,તા.૨૪ : અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે એમ કહીને તમામને ચોંકાવી દીધા હતા કે, ૩૧મી મે સુધી અમદાવાદમાં આઠ લાખ જેટલા કેસો થઇ શકે છે. જો વર્તમાન સ્થિતિ રહેશે તો આ પ્રકારની સ્થિતિ સર્જાશે. તેમના આ નિવેદનને લઇને સામાન્ય લોકોમાં પણ દહેશત જોવા મળી રહી છે. ખુબ મોટો આંકડો કોરોના કેસોને લઇને નિકળી શકે છે તેવો સંકેત આપવામાં આવ્યો છે. બીજી બાજુ રમઝાન મહિનાની શરૂઆત થઇ છે ત્યારે રાહતના ભાગરુપે શહેરના કોટ વિસ્તારમાંથી સંચારબંધીને ઉઠાવી લેવામાં આવી છે. લોકડાઉન હોવા છતાં લોકોની ભારે ભીડ જામી હતી. ઘણા વિસ્તારોમાં લોકડાઉનનો ભંગ થયો થયો હતો. સમગ્ર રાજયમાં કોરોનાનું હોટસ્પોટ અને એપીસેન્ટર સમા બનેલા અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના હજારો પોઝિટિવ કેસ નોંધાયા છે.

             અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરમાં કોરોના અંગે આજે બહુ મોટુ નિવેદન આપતા જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં તા.૧૭થી ૨૦ એપ્રિલમાં કેસ ડબલ થયા અને હાલ ૭ દિવસમાં કેસ ડબલ થાય છે. જો આ રેટ ચાલુ રહે તો આગામી તા.૧૫ મે સુધીમાં કોરોનાના ૫૦ હજાર અને તા.૩૧ મે સુધીમાં ૮ લાખ કેસ થઈ શકે. જો ૭થી ૮ દિવસે કેસ ડબલ થતા રહેશે તો ૧૫ મે સુધીમાં ૧૦ હજાર જ કેસ થશે અને જો ૧૦ દિવસનો ડબલિંગ રેટ એચીવ કરીએ તો તા.૧૫ મે સુધીમાં ૮ હજાર જ રહેશે. પરંતુ ૪ દિવસે જો કેસ ડબલ થવા લાગશે તો તા.૩૧ મે સુધીમાં ૮ લાખ કેસ થઈ શકે. મ્યુનિસિપલ કમિશનરના આ નિવેદનને જોતાં અમદાવાદ શહેરમાં કોરોનાને લઇ આગામી દિવસોમાં ગંભીર સ્થિતિનો ચિતાર સામે આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ વધુમાં જણાવ્યું કે, અમદાવાદ શહેરની કોરોનાની

સ્થિતને લઇ લોકોએ સાવધાન અને સાવચેત રહેવુ પડશે નહી તો, શહેરમાં કોરોનાના કેસો વધવાની ગંભીર દહેશત છે. હું યુવાનોને હું વિનંતિ કરું છું કે, જે વડીલોએ આપણને સાચવ્યા છે તે વડીલોને આપણને સાચવવાનો વારો આવ્યો છે. સૌ યુવાનો વડીલોને સાચવે તે જરૂરી છે. જેને લઈને તમામ યુવાનો આ બાબતે સોશિયલ મીડિયામાં જાગૃતિ માટે વીડિયો બનાવીને પણ શેર કરી શકે છે. જે યુવાન સૌથી સારો વીડિયો બનાવશે તેને હું લોકડાઉન પુરું થયા પછી રૂરૂ મળીશ અને તેમની કામગીરીને બિરદાવીશ. મે મહિનાના અંત સુધી કોઈ પણ વડીલોને ઘર બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા વિનંતી છે. આ પહેલા કોટ વિસ્તારમાં કેસો વધતા કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. કોટ વિસ્તારમાંથી આજે કરફ્યુ ઉઠાવી લેવાયો છે, પરંતુ લોકડાઉન છે છતાં શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં આજ સવારથી જ સામાન્ય દિવસની જેમ લોકોની ભીડ જોવા મળી હતી. લોકડાઉનમાં કારણ વગર કોઈપણ વ્યક્તિ બહાર નીકળી શકે નહીં છતાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી પડ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહેવામાં આવતું હતું છતાં લોકો પાલન કરતા ન હતા. માત્ર દિલ્હી દરવાજા જ નહીં કોટ અન્ય વિસ્તારોમાં પણ લોકો સવારથી જ બહાર નીકળી પડ્યા હતા. દૂધ, કરીયાણું લેવા માટે નીકળ્યા હોવાના બહાના કર્યા હતા. મોટાભાગના લોકોને કોરોનાનો ડર જ ન હોય તેમ ફરી રહ્યા હતા.

કર્ફ્યુમુક્તિની સાથે સાથે

*       રમઝાન મહિનાની શરૂઆત સાથે જ કર્ફ્યુમુક્તિ થઇ

*       શહેરના કોટ વિસ્તારમાંથી કર્ફ્યુ ઉઠાવી લેવાયો

*       લોકડાઉન હોવા છતાં દિલ્હી દરવાજા અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય દિવસની જેમ જ ભીડ જામી

*       લોકડાઉનની અસર ન દેખાતા ચિંતાનું મોજુ ફરી વળ્યું

*       સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળવામાં ન આવ્યા

*       પોલીસની વારંવારની સૂચનાઓ છતાં નિયમો ન પળાયા

*       કોટ વિસ્તારના લોકો દ્વારા ખરીદી માટે પડપડી કરી

અમદાવાદમાં કોરોના..

અમદાવાદ, તા.૨૪ : અમદાવાદમાં કોરોનાના કેસો સૌથી ઝડપથી વધી રહ્યા છે. અમદાવાદમાં હજુ સુધીની સ્થિતિ નીચે મુજબ છે.

અમદાવાદમાં કુલ કેસ

૧૮૨૧

અમદાવાદમાં હજુ સુધી મોત

૮૩

અમદાવાદમાં હજુ સુધી ડિસ્ચાર્જ

૧૧૩

શુક્રવારના દિવસે અમદાવાદમાં કેસ

૧૬૯

અમદાવાદમાં શુક્રવારે મોત

૧૪

(8:57 pm IST)