Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

પેટલાદ તાલુકાના નાર ગામે લોકડાઉનની પરિસ્થિતિમાં કુંભારવાડામાં મગર ઘુસી આવતા સ્થાનિક રહીશોમાં ફફડાટ જોવા મળ્યો

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના નાર ગામે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે કુંભારવાડા વિસ્તારમાં મગર ધસી આવતા સ્થાનિક રહીશોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી હતી. જો કે ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગ તથા વિદ્યાનગર સ્થિત નેચર હેલ્થ ફાઉન્ડેશનને થતાં ફોરેસ્ટ વિભાગ તથા સંસ્થાના સભ્યોએ ઘટના સ્થળે દોડી જઈ મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મગરને પાંજરે પૂર્યો હતો.

વધુમાં મળતી વિગતો મુજબ પેટલાદ તાલુકાના નાર ગામે આવેલ કુંભારવાડા વિસ્તારમાં આજે સવારના સુમારે એક મકાનની ઓસરી નજીક પડેલા ઝાડના થડીયા ઉપર એક મગર ધસી આવ્યો હોવાનું લોકનજરે ચઢ્યું હતું. નાર ગામનું તળાવ સુકાઈ જવાના કારણે અન્ય તળાવ તરફ સ્થળાંતર કરતી વખતે મગર કુંભારવાડા વિસ્તારમાં આવી ચઢ્યો હોવાનું સ્થાનિકોનું માનવું છે. દરમ્યાન સ્થાનિકો દ્વારા ગામના સરપંચને અંગે જાણ કરાતા સરપંચે તુરંત ફોરેસ્ટ વિભાગ તથા નેચર હેલ્થ ફાઉન્ડેશન વિદ્યાનગરને જાણ કરતા બંને ટીમો તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. અડધા કલાકની જહેમત બાદ કાર્યકરોએ સાડા પાંચ ફૂટ લાંબા મગરને સહીસલામત પાંજરે પૂર્યો હતો અને બાદમાં તેને એના રહેઠાણ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું કે ઉનાળાની મોસમ શરૃ થતાં ગામના તળાવ સુકાઈ જવાના કારણે કેટલીક વખત મગર સ્થળાંતર કરતા હોય છે. નાર ગામે જોવા મળેલ મગર માર્સ ક્રોકોડાઈલ હોઈ તેનો મુખ્ય ખોરાક માછલી, નાના પક્ષીઓ અને ક્યારેક બિલાડી-કૂંતરા ઉપર પણ હુમલો કરે છે. જો કે મગરની જાત માણસ ઉપર હુમલો કરતી નથી. મગરનું સહીસલામત રેસ્ક્યુ ઓપરેશન કરી બાદમાં તેને તેના રહેઠાણ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો તેમ તેમણે ઉમેર્યું હતું.

(5:46 pm IST)