Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

આણંદ તાલુકામાં લોકડાઉનનો લાભ લઇ કર્મચારી સહીત વેપારીઓ પાસેથી પોલીસ કર્મચારીઓ પૈસા પડાવતા હોવાની ફરિયાદ

આણંદ: આણંદ  જિલ્લામાં અમલી કરાયેલ જાહેરનામા મુજબ શહેરી વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાનો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે. હાલ અમૂલ દૂધના પાર્લરો, શાકભાજીવાળા સહિત દવાઓની દુકાનો સવારના સમયે ખુલ્લી જોવા મળી રહી છે. જો કે આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં ખાનગી રાહે કેટલાક વેપારીઓ અનાજ કરિયાણાની દુકાનો સવારના સુમારે ખોલી વેપાર-ધંધો કરતા હોઈ પોલીસ દ્વારા આવા વેપારીઓ વિરૃધ્ધ જાહેરનામાના ઉલ્લંઘનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જો કે આણંદ શહેરમાં લાગુ કરાયેલ જાહેરનામું કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓ માટે આશીર્વાદ સમાન બન્યું છે. લોકડાઉનની પરિસ્થિતિનો લાભ ઉઠાવી કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓ દ્વારા ગેરકાયદેસર રીતે અનાજ કરિયાણાની દુકાનો ખોલતા વેપારીઓને ત્યાં ઓચિંતો છાપો મારી વેપારીઓને ડરાવી-ધમકાવી યેનકેન પ્રકારે તેઓની પાસેથી નાણાં સહિત અન્ય ચીજવસ્તુઓ પડાવવામાં આવતી હોવાની ફરિયાદો કેટલાક જાગૃત વેપારીઓ દ્વારા કરાઈ રહી છે. જો કે વેપારીઓ પણ કાયમ ધંધો કરવાનો હોવાથી અને કાયદાકીય પળોજણમાં પડવાને બદલે મુંગા મોંઢે પત્રમ્ પુષ્પમ્નો વહેવાર કરી મામલો થાળે પાડી દેવાનું મુનાસીબ માની રહ્યા છે. પોતે દુકાન ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરતા હોવાથી બાબતે મગનું નામ મરી પાડતા હોવાનો સુર કેટલાક જાગૃત નાગરિકોએ વ્યક્ત કર્યો છે.

(5:46 pm IST)