Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અમદાવાદના ૪ યુવકોની મહેનત રંગ લાવીઃ રૂ.૨ હજારમાં ૨૨ દિવસની મહેનત બાદ સેનેટાઇઝ બોક્સ તૈયાર કર્યું: ગમે તે વસ્તુને સેનેટાઇઝ કરી શકાશે

અમદાવાદ: કોરોના વાયરસ એક એવી બીમારી છે જે સ્પર્શથી ફેલાતી બીમારી છે. તમે હોમ ક્વોરેન્ટાઈન હોઈએ પણ શાકભાજી, દૂધ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ જે બહારથી ઘરની અંદર આવતી હોય છે. તો આવી વસ્તુઓને કેવી રીતે સેનેટાઇઝ કરવી એ મોટો સવાલ હોય છે. આવું જ કઈક નવું સંશોધન કર્યું છે ચાર અમદાવાદીઓએ. જે દરેક વ્યક્તિને કામમાં આવી શકે છે. માત્ર 22 દિવસમાં આ પ્રકારનું બોક્સ બનાવવામાં સફળતા મળી છે.

આઇક્રેટના ceo અનુપ જલોટે તેમના મિત્ર આશિષ અને અન્ય એક મિત્ર દ્વારા આ બોક્સ તૈયાર કર્યું છે. જેમાં પ્રસેન સરના માર્ગદર્શન હેઠળ આ આખો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આ તમામ લોકોએ 22 દિવસમાં રાત-દિવસ મહેનત કરીને સેનેટાઇઝ બોક્સ તૈયાર કર્યું છે. જેમાં કોઈ પણ વસ્તુને માત્ર 30 સેકન્ડમાં સેનેટાઇઝ કરી શકાય છે.

આ બોક્સમાં તમે ધારો એ વસ્તુ મૂકીને તેને સેનેટાઈઝ કરી શકો છો. જેમ કે મોબાઈલ ફોન, ચાવી, શાકભાજી, દૂધની બેગ, રૂપિયા વગેરે. આ બોક્સની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે અંદરની લાઈટ તમારા બોડીના કઈ પાર્ટ પર અડે નહિ. 2000ની કિંમતનું આ સેનેટાઇઝર બોક્સ હાલની પરિસ્થિતિ જોતા જરૂરી બની ગયું છે, જે માર્કેટમાં પણ મળી રહે છે.

ઉલ્લેખનીય છે કે, હાલ લોકડાઉનમાં દરેક વ્યક્તિ જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બહાર જતી હોય છે. જેમાં તેની સાથે મોબાઈલ, ગાડીની ચાવી અને પર્સ બહાર લઈ જવામાં આવે છે. જેથી ઘરમાં લાવતા સમયે મોબાઈલ કે પર્સ સાફ કરવા શક્ય નથી. આવામાં આ બોક્સ બહુ જ કામમાં આવી શકે છે.

(4:32 pm IST)