Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અમદાવાદની સિવિલ હોસ્‍પિટલમાં કોરોનાને પ્રસરતો અટકાવવા ખાસ ટેક્નોલોજી વિકસાવાઇઃ કોરોના દર્દીઓનું ઓનલાઇન મોનીટરીંગ કરાશે

અમદાવાદ: કોરોના વાયરસની મહામારીને અટકાવવા વિશ્વભરના તબીબો શક્યત પ્રયાસો કરી રહ્યાં છે. તેના પર રિસર્ચ થઈ રહ્યાં છે. તો અનેક તબીબો કોરોના વોરિયર્સ બનીને દર્દીઓને સેવા આપી રહ્યાં છે. ત્યારે સારવાર દરમ્યાન કોરોના વાયરસની અસર ડોક્ટર કે સારવાર કરનાર નર્સિંગ સ્ટાફને ન થાય તે માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. આ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખાસ ટેકનોલોજી વિકસાવવામા આવી છે.

હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં lifi ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ lifi ટેકનોલોજી માત્ર ઇલેક્ટ્રિક પાવર સપ્લાયરથી ચાલે છે, અને કોરોના દર્દીના તમામ રિપોર્ટ અને મોનિટરીંગ lifi ટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે. ડોક્ટરની વાત માનીએ તો સિવિલ હોસ્પિટલમાં આ સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી સારવાર લેતા તમામ દર્દીઓના પલ્સ સહિત તમામ મોનિટરીંગ માત્ર સિસ્ટમથી શક્ય બને છે અને ચેપ લાગવાનો ડર નહિવત થઈ જાય છે.

પ્રાથમિક તબક્કે અમદાવાદની સિવિલ કોવિડ હોસ્પિટલમાં આ lifi ટેકનોલોજી ઉપયોગમાં લેવાઈ છે. ત્યારે 1200 બેડની હોસ્પિટલમાં lifi સિસ્ટમ ટેકનોલોજી ઉપયોગમાં લેવાય તો નવાઈ નહિ. આવુ જો ગુજરાતની અન્ય હોસ્પિટલમાં પણ કરવામાં આવે તો કોરોના વોરિયર્સને ચેપ લાગવાની શક્યતા ઘટી શકે છે, અને તેઓ ભયમુક્ત થઈને કામ કરી શકે છે.

(4:30 pm IST)