Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

પ્રતિકારશકિત વધારવા આયુર્વેદિક ટીપ્સ આપતા સ્તવન શુકલ

નાકમાં ગાયના ઘીના ટીપા નાખો : ફ્રીજનું પાણી - AC ટાળો : ગુગળ - લીમડાનો ધૂપ કરો

રાજકોટ તા. ૨૪ : અત્યારના વિકટ સમયમાં કે જયારે કોરોના મહામારી વૈશ્ચિક સ્તરે ફેલાયેલી છે અને વિશ્વના ચિકિત્સા ક્ષેત્રના નિષ્ણાતો આ મહામારીને કાબુમાં લેવાના અભૂતપૂર્વ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ઋષીમુનીઓના આશિર્વાદ સમુ પ્રાચીનતમ આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્ર લોકોને ઘણું જ ઉપયોગી થઈ શકે છે. જરૂર છે તો માત્ર તેના સમજણ અને વિવેકપૂર્ણ ઉપયોગની. કોરોના જેવી મહામારીની જયાં સુધી કોઇ રસી કે ઉપચાર ન શોધાય, ત્યાં સુધી મહામારીથી બચવુ અને શરીરની રોગપ્રતિકારક શકિત વધારવી તે એકમાત્ર સચોટ ઉપાય આજના સમયમાં જણાય રહ્યો છે. તો ચાલો આ અંગે આયુર્વેદાચાર્યનુ માર્ગદર્શન મેળવીએ.

સૌ પ્રથમ તો કોરોના ચિકિત્સકીય અન્વેષણ (laboratory investigation) દરમિયાન કોઈવાર તેનુ પરિણામ પોઝિટિવ કે નેગેટિવ આવે છે. જેના લક્ષણો ચરક ચિકિત્સાધ્યાય ૩/૪૦ માં અન્તર્વેગી જવરમાં દર્શાવ્યા પ્રમાણે મળતા આવે છે. જેમાં શરીરનું તાપમાન બહારથી તો સામાન્ય હોય છે પરંતુ કળતર થવી, ભુખ ન લાગવી, શ્વાસ ચડી જવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે અને દોષ, દૂષ્ય અને શરીરની કુદરતી પ્રતિરોધ ક્ષમતા અનુસાર તેમાં વધ-ઘટ જોવા મળે છે. મૂળતઃ આ જવર (તાવ)માં વાયુ અને કફની પ્રબળતા વધુ હોય છે. ચરક નિદાન સ્થાન (૧/૨૧) માં જણાવ્યા અનુસાર : 'વિષમારભ્ભવિસર્ગિત્વમ્ ઉષ્મણો વેષમ્યં' જે દર્શાવે છે કે તાવમાં શરીરના તાપમાનમાં સતત વધઘટ થયા કરે છે જેનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી. જેમાં ગળુ સુકુ લાગવું, સુકી ઉધરસ આવવી, ગળામાં ખુચવા જેવો દુખાવો થવો, ગળામાં શોષ પડવો (તરસ લાગવી) જેવા લક્ષણો વાત દુષ્ટિને કારણે પ્રગટ થાય છે. જયારે કફ બાહુલ્યતા (જે ઋતુ અને રોગ બન્નેમાં અત્યારની દ્રષ્ટિએ પ્રબળ છે) અનુસાર શરીર  અને માથું ભારે લાગવુ, શરદી થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા લક્ષણો પ્રગટ થાય છે.

જયારે પિત્ત દુષ્ટિ અને રસ દુષ્ટિને કારણે (ચરક સૂત્રસ્થાન ર૮/૯ માં દર્શાવ્યા અનુસાર) 'અશ્રઘ્ઘા અરૂચિ આસ્યવૈરસ્ય અરસજ્ઞતા' ખોરાકમાં રૂચી ન થવી, મુખમાં કડવો સ્વાદ આવવો અથવા સ્વાદની અનુભુતિ ન થવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. અહિં એક વાતની ખાસ નોંધ લેવી રહી કે જયારે શરદી માટે આયુર્વેદિક ઔષધો લેવામાં આવે છે ત્યારે તે કફને પરિપકવ બનાવીને નાક-મોં વાટે પરિપકવ કફનો નિકાલ થાય છે. જે લગભગ આપણે બધાએ અનુભવેલુ અને જે અત્યંત જરૂરી પણ છે. જો આ કફનો યોગ્ય નિકાલ ન થાય તો તમારી પાચનપ્રણાલી અને રોગપ્રતિરોધક ક્ષમતાને નબળી પાડે છે અને આ રીતે વારંવાર સંચીત થતા કફને કારણે ભવિષ્યમાં અસ્થમા, બ્રોન્કાઈટીસ, સાઈનસાઈટીસ, માઈગ્રેન વગેરે થવાની સંભાવના ખુબ વધી જાય છે, કોરોનાના આ વિપરિત કાળમાં આ પરિસ્થિતી ઘણી હાનીકર્તા છે. તેથી હંમેશા પ્રયત્ન એવો રાખવો કે કફ સુકવવા કરતા તે પરિપકવ થઈ અને શરીરની બહાર નિકાલ થાય.

રાજકોટના જાણીતા યુવા વૈદ્ય સ્તવન શુકલ કે જેઓ આયુર્વેદની અકસીર ઔષધીઓ બનાવવા માટે જાણીતા છે અને તેમણે અસંખ્ય દર્દીઓને શાસ્ત્રોકત રીતે નિર્માણ કરેલ ઔષધિઓ દ્વારા સાજા કર્યા છે. તેઓ જે દવાઓ આપે છે, તે બજારમાં મળતી દવાઓ નથી, પરંતુ તેઓ જાતે શાસ્ત્રોક રીતે તૈયાર કરેલ ઔષધ આપવાના આગ્રહી છે, જે ઘણી અકસીર, સચોટ અને અસરકારક છે. તેઓ માને છે કે, જે શુધ્ધ ઔષધના મિશ્રણો તેઓ વાપરે છે તે બજારમાં મળવા શકય નથી. તેમના ઔષધ અનેક વ્યાધિઓમાં રામબાણ ઈલાજરૂપ સાબીત થયા છે. તેઓ જાતે જંગલો અને બીજા રાજયોમાં ફરી ઔષધો અને જડિ-બુટીઓ એકત્ર કરી વિવિધ હઠિલા રોગોની સફળ સારવાર કરે છે. વૈદ્ય સ્તવન શુકલના દાદા અને પર-દાદા પણ જાણીત વૈદ્યરાજ હતા. તેઓ વ્યાધિ અનુસાર ચૂર્ણ, ઉકાળા અને ગોળીઓ રૂપે ઔષધો આપે છે અને તેની સાથે આયુર્વેદ ઉપચાર મુજબની પરેજીઓ પણ સુચવે છે.

આયુર્વેદના પ્રયોજનના પવિત્ર ઉદેશના શ્લોક 'સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ્ આતુરસ્ય વિકારનુત્' અનુસાર શરીરની રોગપ્રતિકારક શકિત વધારીને સ્વસ્થ વ્યકિતના સ્વાસ્થ્યનું રક્ષણ કરી અને કોરોનાનુ સંક્રમણ ધીમુ પાડી શકાય છે અને જેમની રોગપ્રતિકારક શકિત વધારે હોય તેમને કોરોના થાય તો પણ તેઓ જલ્દી સાજા થઈ શકે છે. આ અનુસાર વૈધ સ્તવન શુકલ દ્વારા દોષ, દેશ, દૂષ્ય, કાલ, અને ઋતુ અનુસાર રોગપ્રતિકારક શકિત વધારવા માટે (Immunity Booster) ચૂર્ણ સ્વરૂપે ઔષધિનુ નિર્માણ કરેલ છે. આ ચૂર્ણ મેળવવા માટે મોબાઇલ નંબર ૯૮ર૪૦ ૯૦૦૦૮ પર સંપર્ક કરી શકાશે.

પરસેવો વળે તેવો શ્રમ કરો

    સુખોષ્ણ જલપાન - પીવા માટે નવસેકુ પાણી લેવુ, પિત્તપ્રધાન પ્રકૃતિવાળા વ્યકિતએ ઉકાળીને સ્વતઃ ઠરી ગયેલ પાણી ઉપયોગમાં લેવું.

    નાકમાં બન્ને તરફ ગાયના ઘીના ર-ર ટીપા નાખવા

    યોગ અને પ્રાણાયામ કરવા (નિષ્ણાતની સલાહ લઈને)

    ગરમ, તાજો, હળવો અને સુપાચ્ય ખોરાક લેવો

    ઘઉંના ખાખરા, પૌવા, મમરા, ઉપમા તથા દાડમ, ચીકુ, સફરજન, પપૈયા જેવા ફળો નાશ્તામાં લઈ શકાય છે.

    મગ-તુવેર દાળનું ઓસામણ, મેથી-પાલક-તાંદળજાની ભાજી, દુધી-સરગવાનું સુપ લઈ શકાય છે.

    કારેલા, કંટોલા, પરવળ, દુધી, તુરીયા, ગલકા, શક્કરીયા, સરગવો જેવા શાક ખોરાકમાં લેવા.

    આ દરમિયાન ઘરમાં ગુગળ, લીમડાના પાન, વજ, કઠ, હરડે, સરસવ, જવ અને ગાયનું ઘી આ બધી જ વસ્તુઓ લઈ ધુપ કરવાથી વાતાવરણ શુધ્ધ થાય છે.

    સ્વસ્થ્ય વ્યકિતઓએ થોડો ઘણો પરસેવો વળે તેવો શારીરીક શ્રમ અવશ્ય કરવો જેથી દશવિઘ લંઘન સિધ્ધાંતની સાતત્ય જળવાય રહેતા વ્યકિતનું સારૂ સ્વાસ્થ્ય પણ જળવાય રહે છે.

મેંદાની વાનગી, કફકારક વસ્તુઓ ટાળો

    ફ્રીજનું ઠંડુ પાણી, આઈસક્રીમ, કોલ્ડ્રીંક, ગોલા જેવી ઠંડી વસ્તુઓ ન લેવી.

    મેંદાવાળી વસ્તુઓ જેમકે બ્રેડ બિસ્કીટ, ખારી, ટોસ્ટ, સેન્ડવીચ, બર્ગર, પીઝા વગેરે ન લેવુ.

    કફકર્તા વસ્તુઓ જેમકે કેળા, દહિં, લીચી, ચીઝ, બટર, પનીર, લસ્સી જેવી વસ્તુઓ ન લેવી.

    તળેલી વસ્તુઓ ન લેવી

    પચવામાં ભારે હોય તેવા પદાર્થોનું સેવન ન કરવુ

    શકય હોય ત્યાં સુધી AC નો ઉપયોગ ટાળવો

નોંધઃ   ઘણા લોકો રસોઈમાં અથવા ઉકાળા સ્વરૂપે કફનાશક તરીકે અજમો, લસણ, હિંગ, મરી, લીંડીપીપર જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે પરંતુ આ બધી વસ્તુઓનો યોગ્ય પ્રમાણમાં અને પ્રકૃતિ પ્રમાણેનો જ ઉપયોગ લાભકર્તા છે, અન્યથા આ વસ્તુઓ શરીરને ગરમ પણ પડી શકે છે.

: આલેખન :

વૈદ્ય સ્તવન શુકલ

વેદાંત ઔષધાલય,

શુકલ સદન, ૯-પ્રહલાદ પ્લોટ,

દિગ્વિજય રોડ, રાજકોટ.

મો. ૯૮૨૪૦ ૯૦૦૦૮

e-mail :

stavan_shukla@yahoo.com

(4:01 pm IST)