Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

અફવાઓથી સાવધાનઃ ગુજરાતમાં કોરોના ટેસ્ટની સંખ્યા નહિ ઘટેઃ ડો.જયંતી રવિ

કોંગ્રેસ અને અન્ય વિરોધીઓ દ્વારા કોરોના મહામારી અંગે વ્યવસ્થિત રીતે અફવાઓનો ફેલાવો

રાજકોટ, તા., ર૪: છેલ્લા કેટલાક દિવસોથી આંકડાઓને વ્યવસ્થિતપણે તોડીમરોડીને ગુજરાતની પ્રજામાં કોરોના અંગે રાજય સરકારની તૈયારી વિષે ગભરાટ ફેલાવવાનો વ્યવસ્થિત પ્રયાસ થઇ રહ્યો છે જેને ગુજરાત સરકારે જડમૂળમાંથી નકારી દીધો છે.

છેલ્લા બે-ત્રણ કોંગ્રેસ અને અન્ય વિરોધીઓ દ્વારા કોરોના મહામારી અંગે વ્યવસ્થિતપણે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. વિવિધ પ્રકારની આ અફવાઓમાં એક અફવા એવી પણ છે કે ગુજરાત સરકારે કોરોના સંક્રમિત વ્યકિતઓને ઓળખી કાઢવા માટે થતા ટેસ્ટની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

ગઈકાલે ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ ઉપરોકત અફવાઓને પાયાવિહોણી ગણાવી તેને મૂળમાંથી જ નકારી દીધી છે. જયંતિ રવિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રાજયમાં હાલમાં થઇ રહેલા ટેસ્ટની સંખ્યા દ્યટાડવાની ગુજરાત સરકારની કોઈજ યોજના નથી.

જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આપણી પાસે દરરોજ ૩૦૦૦ ટેસ્ટ કરવાની ક્ષમતા છે અને આપણે આ ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે ભવિષ્યમાં પણ આ જ ક્ષમતાને ધ્યાનમાં લઈને ટેસ્ટ કરતા રહીશું અને આ ક્ષમતાથી ઓછા ટેસ્ટ કરવાની કોઈજ યોજના નથી. અમે દરરોજ રાજયના વિવિધ વિસ્તારોને આવરી લેતા ૨,૫૦૦ ટેસ્ટ કરવાની યોજના બનાવી છે અને બાકીના ટેસ્ટ એ લોકો પર કરવામાં આવશે જે હાલમાં કવોરંટાઈનમાં છે અને તેમને કોરોનાની અસર થઇ છે કે કેમ એ નક્કી કરવા માટે થશે. ઉપરાંત જે લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે તેમના પર દર બે દિવસે બે વખત ટેસ્ટ કરવામાં આવે છે એ જોવા માટે કે તેઓ હવે કોરોનાના સંક્રમણમાંથી મુકત થઇ ગયા છે કે નહીં.

છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતામાં કોરોના સામેની લડાઈમાં ગુજરાત સરકાર પાછી પડી રહી છે તે પ્રકારની અફવાઓ કોઈ યોજનાબદ્ઘ રીતે ફેલાવવામાં આવી રહી છે. શરૂઆતમાં ગુજરાત સરકાર દ્વારા નિયુકત ખાનગી હોસ્પિટલોમાં લેવામાં આવતા ચાર્જ અંગે વિકૃત છબી રજુ કરવામાં આવી હતી અને બે દિવસથી ગુજરાતમાં જરૂર કરતા ટેસ્ટ ઓછા થવા અંગે જયંતિ રવિ દ્વારા આપવામાં આવતા આંકડાઓને તોડીમરોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે.

કોરોના અંગે માત્રને માત્ર સરકારી આંકડાઓ અને માહિતી પર જ વિશ્વાસ કરો. આ માહિતીની સત્યતા તેઓ રાજય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ તેમજ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા દરરોજ થતી પ્રેસ કોન્ફરન્સ જરૂર જુએ અને તેમાં સમજાવવામાં આવતા તમામ મુદ્દાઓને ધ્યાનથી સમજે જેથી ગુજરાતીઓમાં અફવાઓ દ્વારા ગભરાટ ફેલાવવા ઈચ્છતા તત્વો પર લગામ કસી શકાય.

(3:52 pm IST)