Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોરોનાના તણાવની અસર ડોકટરોને પણ...

તણાવમુકત થવા મનોચિકિત્સકો પાસે સારવાર કરાવે છે લોકો

અમદાવાદ,તા.૨૪: કોરોના વાયરસની બીકથી સામાન્ય માણસો જ નહીં પણ ડોકટરો પણ તણાવ અનુભવી રહ્યા છે. આ વાયરસના ડરના કારણે તણાવમાં આવેલ  કેટલાક ડોકટરો મનો ચિકિત્સકોનો સંપર્ક કરી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના કારણે ઘરોમાં પુરાઇ ગયેલા પરિવારો વચ્ચે મતભેદના કેસો પણ સાયકોલોજીસ્ટો પાસે પહોંચી રહ્યા છે. ગુજરાતમાં ઝડપભેર ફેલાઇ રહેલા કોરોના વાયરસના સંક્રમણને લઇને ગણાતા ડોકટરો પણ અત્યારે વાયરસના કારણે તણાવમાં છે.

અમદાવાદની સરકારી મેન્ટલ હોસ્પિટલની મનોચિકીત્સક ડોકટર રમાશંકર યાદવ અનુસાર, કોરોના વાયરસની દહેશતમાં તેમની સલાહ લેવા માટે તેમને સામાન્ય લોકોના જ નહીં પણ ડોકટરોના પણ ફોન આવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં ત્રણ ડોકટરોના ફોન આવ્યા છે. ત્રણેય ડોકટર અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં જનરલ પ્રેકટીસ કરે છેે. અત્યારે તેઓ કોરોનાના ભયથી તણાવગ્રસ્ત છે તેમણે આ તણાવમાં રાહત મેળવવા માટે સલાહ માંગી છે.

ડોકટર યાદવે જણાવ્યું કે, લોકડાઉનના કારણે અત્યારે મોટા ભાગના પરિવારો આખો દિવસ ઘરમાં વિતાવતા હોવાથી નાની નાની બાબતે ઘરના સભ્યકો વચ્ચે મતભેદો ઉભા થવાના કેસોમાં પણ વધારો થયો છે. તેમણે કહ્યું કે  એક એવો પણ કેસ આવ્યો કે જેમાં દંપતિ વચ્ચે છુટા છુડા સુધીની નોબત આવી ગઇ. જો કે તેમને જરૂરી દવાઓ અને સલાહો આપવામાં આવી જેનાથી તેમને રાહત છે.

(3:50 pm IST)