Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

APL-1 કાર્ડ ધારકો આધાર કાર્ડ નહી પરંતુ અન્ય કોઇપણ ઓળખપત્ર બનાવી અનાજ મેળવી શકશે

ઇલેકશન કાર્ડ - પાન કાર્ડ - ડ્રાઇવીંગ લાયસન્સ - બેંક પાસબુક - નરેગા કાર્ડ - પાસપોર્ટ ગમે તે ચાલશે : હાઇકોર્ટમાં રીટ થતા સરકારી વકીલની મહત્વની સ્પષ્ટતા : ગોઠવાયેલ વ્યવસ્થા પ્રત્યે હાઇકોર્ટની સંતુષ્ટિ

રાજકોટ તા. ૨૪ : એપીએલ-૧ કેટેગરીમાં આવતા લાખો કુટુંબને લોકડાઉનમાં ફ્રીમાં રાજ્ય સરકાર તરફથી અનાજ અને કરિયાણુ વગેરે મળી રહે એની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ આ વ્યવસ્થામાં જે તે કુટુંબ પાસેથી ઓળખપત્રના પુરાવા તરીકે ફરજીયાત આધારકાર્ડ માંગતા હોવાથી તે અંગે કરવામાં આવેલા જાહેરનામાને એક જાહેરહિતની અરજી મારફતે હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યું હતું. આ કેસની સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ મનીષા શાહે સ્પષ્ટતા કરી હતી કે 'આધારકાર્ડ ન હોય તેવા સંજોગોમાં જરૂરીયાતમંદ કુટુંબો અન્ય ૧૩ પ્રકારના માન્ય ઓળખપત્રોને દસ્તાવેજી પુરાવા તરીકે બતાવીને પણ સરકારી લાભ મેળવી શકે છે. આ અંગે જરૂરી ઠરાવ પણ કરવામાં આવ્યા છે અને તેની જાણ જિલ્લા કલેકટરોને પણ કરાઇ છે.' સરકારે ગોઠવેલી વ્યવસ્થા પ્રત્યે સંતુષ્ટિ વ્યકત કરતા જસ્ટીસ એન.વી.અંજારીયા અને જસ્ટિસ અશોકકુમાર સી. જોષીની ખંડપીઠે સરકારને તેમના નિવેદન મુજબ કાર્યવાહી કરવાનું જણાવી રિટનો નિકાલ કર્યો હતો.

ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડના મુદ્દે કરવામાં આવેલા જાહેરનામા મુજબ સરકારી લાભ મેળવવા માટે આધારકાર્ડ પુરાવા તરીકે ફરજીયાત હોવાથી આ મામલે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ કેસની સુનાવણીમાં સરકારે જણાવ્યું હતું કે, 'આ યોજનાના લાભ માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારની વ્યવસ્થા ગોઠવાઇ ઉપરાંત ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડ સિવાયના અન્ય ૧૩ દસ્તાવેજોમાં ઇલેકશન કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક પાસબુક (ફોટોવાળી), નરેગા કાર્ડ, પાસપોર્ટ, ખેડૂત પાસબુક સહિત કુલ ૧૩ પ્રકારના ઓળખકાર્ડને માન્ય રાખવામાં આવ્યા છે.'

(3:30 pm IST)