Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ધોરણ-૧૨ સાયન્સની ઉત્તરવહીનાં મૂલ્યાંકનની કામગીરી પૂર્ણતાને આરે

ધો. ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહની કામગીરી ૧૪ મે સુધી પુરી કરાશે

અમદાવાદ, તા. ૨૪ :. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની ઉત્તરવહીની ચકાસણીની કામગીરી ચાલી રહી છે. ધોરણ ૧૨ સાયન્સની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પુરી થવામાં છે. હવે તેની ડેટા એન્ટ્રી - માર્કશીટ પ્રિપેરેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ધો. ૧૨ સાયન્સનું પરિણામ મે માસના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવે તેવી શકયતા છે.

બોર્ડના પેપર તપાસવા ૧૬ એપ્રિલથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં આવેલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર બદલી નાખવામાં આવ્યા છે. ધો. ૧૦ અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહની ઉત્તરવહીના મૂલ્યાંકનનું કાર્ય ૧૧ મે સુધીમાં પુરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ધો. ૧૦ ગુજરાતી વિષયની ૨૮ એપ્રિલ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સોશ્યલ સાયન્સ અને અંગ્રેજી વિષયની ૨૫ એપ્રિલ સંસ્કૃત વિષયની ૨૯ એપ્રિલના રોજ મૂલ્યાંકન કામગીરી પુરી કરી દેવામાં આવશે.

જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહની આંકડાશાસ્ત્ર, એલિમેન્ટસ ઓફ એકાઉન્ટસ વિષયની ૩૦ એપ્રિલ, કોમર્સના વિષયની ૫ મે, ગુજરાતી ૭ અને ૧૦ મે અને હિન્દી વિષયની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી ૧૧ મે ના રોજ પુરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આમ ૧૧ મે ના રોજ મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થયા બાદ માર્ક ભરવાની તેમજ માર્કશીટ બનાવવાની કામગીરી હાથ ધરાશે, જેથી ધો. ૧૨ સાયન્સ પ્રવાહનું પરિણામ સર્વપ્રથમ મે માસમાં અને ત્યાર બાદ ધો. ૧૦નું પરિણામ જૂનના પહેલા સપ્તાહમાં અને પછી ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે.

(3:29 pm IST)