Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મંદિરમાં દર્શન, ક્રિકેટ રમવાના, અગાસીમાં ભજીયા પાર્ટીઃ પાન-ફાકીનો જથ્થો જેવા ફોનો સતત ચાલુ જ રહે છે

દારૂ-જુગાર અને કેફી પદાર્થો કે બીજી ગેરકાયદે પ્રવૃતિઓની બાતમીની વાત કોરોના વાયરસની સ્થિતિમાં જુની બની છે : પોલીસ કમિશ્નરે જાહેર કરેલ વોટસએપ નંબર તથા વિવિધ પોલીસ મથકમાં આવી બાતમી વાળા ફોન આવે છે : રસપ્રદ કથા

રાજકોટ, તા., ૨૪: વિશ્વ અને દેશવ્યાપી  કોરોના વાયરસ સંદર્ભેની સ્થિતિમાં લોકડાઉનનો અમલ કરાવવા માટે મોટા ભાગની પોલીસ રસ્તા પર સતત રાત-દિવસ ખડે પગે હોવાથી  ગુન્હાખોરી પર કંટ્રોલ આવ્યો છે હવે પોલીસને પણ આજ સુધી ઇતિહાસમાં કદી બાતમી મળી ન હોય  તેવા ફોન અમદાવાદ પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા દ્વારા જાહેર કરેલા વોટસએપ નંબર પર સતત આવ્યા કરે છે અને આ વોટસએપ નંબર પર મળતી બાતમી ખુબ જ રસપ્રદ અને રમુજી પ્રકારની હોય ભારેખમ વાતાવરણમાં લોકોના ચહેરા પર હાસ્યની લહેરખી ફેલાયા વગર નહિ રહે.

અમદાવાદના નવરંગપરા વિસ્તારમાં દેરાસરમાં એકઠા થઇ દર્શન કરી રહયાની પોલીસને ફોટોગ્રાફ સાથે બાતમી મળતા લોકડાઉનના ભંગ બદલ કેટલાક શખ્સો સામે કાર્યવાહી થઇ હતી. કેટલાક જાગૃત નાગરીકો દ્વારા ચોક્કસ સોસાયટીઓમાં એકઠા થઇ ક્રિકેટ રમી રહયા છે તેવી માહીતી આધારે તપાસ કરાવતા આ મામલા પણ લોકડાઉનના નિયમોનો ભંગ થતો હોય પગલા લેવામાં આવ્યા હતા.

પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા દ્વારા જાહેર થયેલા વોટસએપ નંબર પર અગાસીમાં  ભેગા થયેલા મોટી સંખ્યાના લોકો ભજીયા પાર્ટી કરી રહયાની બાતમી પણ મળતા એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે પોલીસે તાકીદે કાર્યવાહી કરી હતી. પોલીસ તંત્રના કેટલાક પોલીસ ઇન્સ્પેકટરોએ એવું જણાવેલ કે પોલીસ મથકમાં એક જાગૃત નાગરીકે ફોન કરી ચોક્કસ વ્યકિતઓ બહાર નીકળી પાન-ફાકી અને બીડી-સીગરેટનો મોટો સ્ટોક કર્યાની બાતમી આપવા સાથે એ દુકાનમાં ગેરકાયદે પાન-ફાકી વેચાઇ રહયાની બાતમી આપી હતી. અન્ય એક કિસ્સામાં તો સોસાયટીના બધા લોકો એેકઠા થઇ વાળ કપાવી રહયાની બાતમી આપી હતી. આમ અત્યારે ગુન્હાહીત પ્રવૃતિની નહિ પરંતુ આવા પ્રકારની બાતમી મળી રહયાનું પોલીસ વર્તુળોએ અકિલા સાથેની વાતચીતમાં હસતા-હસતા જણાવ્યું હતું.

(12:21 pm IST)