Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

આદિવાસી પરિવારો સદીઓથી સોશ્યલ ડિસ્ટન્સ પાળે છે

બેનમૂન લાઈફ સ્ટાઈલ : બે ઘર વચ્ચે ૧૦૦-૧૫૦ મીટરનું અંતર : ભેટવા કે હાથ મિલાવવાથી દૂર રહે છે : આદિવાસી જીવનશૈલી સંપૂર્ણ વૈજ્ઞાનિક

રાજપીપળા : સમગ્ર વિશ્વમાં હાલના સમયે ખાસ કરીને કોરોના મહામારી બાદ જ સાંભળવા મળતો શબ્દ એટલે સોશિયલ ડિસ્ટન્સ જોકે લોકો માટે આ શબ્દ અને તેની અમલવારી નવી લાગી રહી છે પરંતુ આદિવાસીઓ આ શબ્દ વિશે જાણકારી ભલે ધરાવતા ન હોય પરંતુ તેનુ મહત્વ અને તેની અમલવારી સદીઓથી કરતા આવ્યો છે.

આદિવાસીઓ પોતાના રહેણાંક ઘરો સદીઓથી સો દોઢસો મીટરથી વધુની દૂરી રાખી બનાવીને જ રહેતો આવ્યો છે, આજે કોરોના જેવી મહામારીને લીધે આખુ વિશ્વ સામાજિક દૂરી (સોશિયલ ડિસ્ટન્સ )ની વાત કરી રહ્યુ છે અને તેનો કડકાઈથી અમલ માટેના કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે,ત્યારે આદિવાસીઓની બેનમૂન જીવન પધ્ધતિથી એવુ લાગે છે ક સોશ્યલ ડિસ્ટેન્સિંગ જેવી વાત આદિવાસીઓ માટે કોઈ નવી વાત નથી, છતાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ માર્ગદર્શિકાનુ ચુસ્ત પણે પાલન કરવા સૌ કોઈ એ પોતાની નૈતિક જવાબદારી સમજવી તે સમયની માંગ છે.

આદિવાસી સમાજના દેવજીભાઈ જણાવ્યા મુજબઆદિવાસીઓ જયારે એક બીજા ને મળે ત્યારે બિન જરૂરી ભેટવુ કે હસ્તધૂન જેવી પધ્ધતિથી દૂર રહી સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમની અમલવારી રુપે બે હાથ જોડીને સહેજ નીચે નમીને ભાવ પૂર્વક અભિવાદન કરતા હોય છે, આમ આદિવાસીઓ સદીઓથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખી ને પોતે કઈ રીતે સ્વસ્થ અને સલામત જીવન જીવી શકે અને અન્ય બીજા કોઈ ને પણ સ્વસ્થ અને સલામત જીવન જીવવાની શીખ આપતી એવી જીવન પધ્ધતિઓની અમલવારી કરતો આવ્યો છે.  આમ તંદુરસ્ત,નિરોગી અને લાંબુ જીવન જીવવા માટે દુનિયાના બુદ્ઘિજીવીઓ પણ આદિવાસીઓની જીવન શૈલી અપનાવવા અને આદિવાસી જીવનશૈલી ટકાવી રાખવાની તરફેણ કરી રહ્યા છે.

(11:29 am IST)