Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

'ચીનની અસીમ કૃપાથી કપાતર કોરોનાનાં અશુભ લગ્ન ચિ. ખાંસી સાથે'

કોરોનાની કાળોતરી કંકોતરી વાઇરલ થઇ

મુંબઇ તા. ર૪ :... 'ચીનની અસીમ કૃપાથી કપાતર કોરોનાનાં અશુભ લગ્ન ચિ. ખાંસી સાથે.' કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં કોરોનાની કાળોતરી કંકોતરી વાયરલ થઇ છે. આ કંકોતરી લોકડાઉનના સમયમાં સોશ્યલ મીડિયમાં રમૂજ કરાવી રહી છે. એટલું જ નહીં, આ કાળોતરી કંકોતરીમાં નાગરિકોને લોકડાઉનનું પાલન કરવાનો મેસેજ પણ મોઘમમાં અપાયો છે. આ કાળોતરી કંકોતરી વાંચીને ઘરે બેઠેલા નાગરિકો આનંદ ઉઠાવીને હળવા બની રહ્યા છે.

લોકડાઉનમાં ઘરે રહીને કપાતર કોરોનાનાં લગ્ન કરાવવામાં આવી રહ્યાં છે અને ગુજરાતીઓ સહિતના નાગરિકો એનો આનંદ લઇ રહ્યા છે ત્યારે આ કપાતર કંકોતરીની ઉલ્લેખનીય વાત એ છે કે હળવાશમાં લખાયેલી આ કંકોતરીમાં લોકડાઉનનું પાલન, લોકડાઉનમાં ઘરે રહેવાની શીખ, મોઢે માસ્ક પહેરવો અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનો મેસેજ  પણ હળવાશથી રમુજમાં આપ્યો છે જેથી સમજુ નાગરિકોને આ મેસેજ શીરાની જેમ ગળે ઉતરી જાય.

છેલ્લા કેટલાક દિવસથી સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી આ કાળોતરી કંકોતરીમાં લખ્યું છે કે 'સ્નેહીશ્રી દેશવાસીઓ, ચીનની અસીમ કૃપાથી અમારા શરદીબહેન તથા તાવભાઇના કપાતર સુપુત્ર ચિ. કોરોનાનાં અશુભ લગ્ન ચિ. ખાંસી, છીંકબહેન કફભાઇ કાળોતરાની સુપુત્રી સાથે તા. ર૪-૪-ર૦ર૦ના રોજ નિર્ધારેલ છે. તો આ અશુભ લગ્નમાં પધારતા નહીં.'

કંકોતરીમાં લખ્યું છે કે 'ભવ્ય રાસ-ગરબા મોઢા પર માસ્ક બાંધીને, સેનિટાઇઝ થઇ, બે ફુટના અંતરે પોતાની મસ્તીમાં રમી શકો છો પોતપોતાના ઘરે. પછી ટહુકો કરતાં લખ્યું છે - બુલાતા હૂં મગર આને કા નઇ.'

પાછી આ કંકોતરીમાં ખાસ નોંધ લખવામાં આવી છે કે આપના આગમનની રાહ જોતા હૈયાહરખથી ખાસ મોર બોલાવાની (ડંડા પડવાની) વિધિ પોલીસ-કર્મચારીઓ દ્વારા રાખવામાં આવી છે.

(10:45 am IST)