Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મોઢામાં પાણી લાવી દેતી કેસર કેરીના સ્વાદ આ વખતે ઘરે બેઠા જ માણી શકાશે

અમદાવાદ-ગાંધીનગરમાં કેસર કેરીની હોમ ડિલીવરી કરવા જુનાગઢના ખેડૂતોને મંજુરી

અમદાવાદ, તા.૨૪:  કોરોના વાયરસના ભય વચ્ચે કેસર પ્રેમીઓ માટે એક ખુશ ખબર આવી રહી છે. તમારામાંથી ઘણા લોકોની ફરિયાદ હશે કે ઉનાળાની સીઝનની શરૂઆત થવા છતાં આ લોકડાઉનની સ્થિતિમાં આ વર્ષે કેસર કેરી ખાવાની તક નહીં મળે. પરંતુ આવા કેસર પ્રેમીઓ માટે હવે સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે તેઓ ઘરે બેઠા જ કેસર કેરીનો સ્વાદ માણી શકશે.

કોરોના વાયરસના કારણે આ વર્ષે અમદાવાદ અને ગાંધીનગરમાં 'કેસર મહોત્સવ'નું આયોજન શકય નથી. પરંતુ જુનાગઢના ખેડૂતોને ૩જી મેથી અમદાવાદ અને ગાંધીનગરમાં પોતાના ગ્રાહકો સુધી કેસર કેરીની હોમ ડિલિવરી માટે રાજય સરકાર પાસેથી પરમીશન મળી ગઈ છે. જે બાદ હવે ખેડૂતો સીધી તમારા ઘર સુધી કેસર કેરી પહોંચાડી દેશે.

અંદાજે ૬૦૦ ખેડૂતોનું ગ્રૃપ ધરાવતી 'ગીર કૃષિ વસંત પ્રોડ્યુસર કંપની' વોટ્સએપ અને ફેસબુક દ્વારા કેરીના ઓર્ડર લેશે. જોકે ડિલિવરી અઠવાડિયામાં માત્ર બે વખત જ કરવામાં આવશે. કંપની પાસે હાલમાં તેમના ૫૦૦૦ કાયમી ગ્રાહકોનું લિસ્ટ છે અને સોશિયલ મીડિયા દ્વારા વધુ ગ્રાહકો સુધી પહોંચશે.

પાછલા વર્ષે ખેડૂતોએ આ કંપની દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં ૭૦,૦૦૦ બોકસ (દરેકમાં ૧૦ કિલો) વેચ્યા હતા. કંપનીના ડાયરેકટર તુષાર ધામેલિયાએ જણાવ્યું કે, અમદાવાદ કલેકટર ઓફિસ કોરોના વાયરસની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન થાય તે શરતે હોમ ડિલિવરીની પરમીશન આપશે.

ધામેલિયાએ ઉમેર્યું કે, રાજયના બાગાયતી વિભાગે નક્કી કર્યું છે કે ખેડૂતોને કેરીનો સ્ટોક સ્ટોર કરી રાખવા માટે અમદાવાદની બહાર આવેલા સનાથળમાં ખેતરમાં જગ્યા આપવામાં આવે. અમે ત્યાં મિનિ પિક-અપ વાન ભાડે કરીશું, જેના માટે કલેકટર ઓફિસ પાસ આપવા તૈયાર છે.

આ સાથે ખેડૂતોએ ગીર-સોમનાથના કલેકટર પાસે પણ ટ્રકમાં કેરીના બોકસ લોડ કરવાની મંજૂરી માગી છે. જૂનાગઢના ખેડૂતો વર્ષ ૨૦૦૯થી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા કરાતા 'કેસર મહોત્સવ'માં ડાયરેકટ અમદાવાદમાં કેરી વેચી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં અંદાજે ૨૦,૦૦૦ હેકટરમાં કેરી પાકે છે. દર વર્ષે આ જિલ્લાઓનું એવરેજ પ્રોડકશન અંદાજે ૨ લાખ ટન જેટલું હોય છે. તલાલા માર્કેટિંગ યાર્ડ કેસર કેરી માટે સૌથી મોટું વેપાર કેન્દ્ર છે અને ત્યાં કેરી આવવાનું પણ શરૂ થઈ ગયું છે.

(9:42 am IST)