Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

પાંચ દિવસ શાક અને કરીયાણુ નહીં મળવાની જાહેરાત થતા કડીના રસ્તાઓ પર લોકોની ભીડ

મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડતા લોકડાઉનના લીરેલીરા ઉડ્યા

કડી :કોરામાંની મહામારી વચ્ચે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કડી નગરપાલિકા અને સ્થાનિક વેપારીઓ સાથે બેઠક કરીને નિર્ણય લીધો હતો કે, ગુરુવારથી પાંચ દિવસ સુધી કડીમાં કરિયાણા અને શાકભાજીની દુકાન અને માર્કેટ બંધ છે. તંત્રની જાહેરાતના પગલે બુધવારે સવારે વહેલી સવારે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં રસ્તા પર શાકભાજી કરિયાણું લેવા માટે ઉમટી પડ્યા હતા. જેમ સામાન્ય દિવસોમાં લોકોની ચહલપહલ રસ્તા ઉપર જોવા મળે તેવી જ ચહલપહલ લોકડાઉન વચ્ચે જોવા મળી હતી.

 આ ઉપરાંત કડીના ગાંધીચોક, સ્ટેશન માર્ગ અને માર્કેટ યાર્ડ સહિતના અન્ય વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સવારના 8થી 12 વાગ્યા સુધી ખરીદીમાં સમય હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊમટ્યા હતા જેના કારણે લોકડાઉનના લીરેલીરા ઊડી રહ્યા હતા.

તો બીજી તરફ તંત્ર દ્વારા 5 દિવસ કરિયાણાની દુકાન અને શાકભાજી નહીં મળે તેવી જાહેરાતો કરવામાં આવી પરંતુ તંત્ર તંત્રએ લોકો એકઠા થઈને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે બાબતેના કોઈ પણ પગલા લીધા નહીં અને જેના માટે હજારો લોકોની ભીડ રસ્તા પર જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, કડી નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગુરુવારથી સોમવાર સુધી શહેરમાં ફક્ત દૂધ અને દવાની સેવાઓને ચાલુ રાખવામાં આવશે. મંગળવારથી સવારે 8થી 11 વાગ્યા સુધી રાબેતા મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ ચાલુ કરવામાં આવશે.

(8:58 am IST)