Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મોટી સફળતા : વડોદરામાં ૪૫ દર્દી કોરોના મુક્ત થયા

તમામને એકસાથે હોસ્પિટલમાંથી રજા મળી : મોટાભાગના દર્દીઓએ પ્લાઝમા ડોનેટની દર્શાવેલી ઇચ્છા

અમદાવાદ,તા.૨૩ : કોરોના વાઈરસની મહામારી વચ્ચે વડોદરા શહેર અને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પ્રથમવાર એક સાથે ૪૫ દર્દીઓને રજા અપાતી હોય તેવી ઘટના વડોદરામાં બની છે. હોટસ્પોટ બનેલા નાગરવાડાના સહિત વડોદરાના ૪૫ દર્દીઓને આજે એક સાથે રજા આપવામાં આવી છે. આ તમામને આજવા રોડ ખાતેની ઇબ્રાહિમ બાવાની આઈટીઆઈ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી આ તમામનો ટેસ્ટ દિવસમાં બે વખત નેગેટિવ આવી રહ્યો હતો. આથી તેમને હવે રજા આપવાનું નક્કી કરાયું હતું. એકસાથે ૪૫ દર્દીને હોસ્પિટલથી રજા મળતાં સમગ્ર વડોદરા સહિત ગુજરાતમાં એક રીતે ખુશીની લાગણી ફેલાઇ હતી તો, ડોકટર, સ્ટાફ સહિતના લોકોએ તાળીઓ વગાડી દર્દીઓને ગૌરવભેર વિદાય આપી હતી.

             બીજીબાજુ, કોરોનાની ઝપેટમાંથી મુકત થયેલા આ ૪૫ દર્દીથી મોટાભાગના લોકોએ કોરોનાના સંકજામાં સપડાયેલા અન્ય લોકોને મદદરૂપ બનવા માટે તેમના લોહી અને પ્લાઝમા ડોનેટ કરવાની પણ સંમંતિ આપી હતી. આ ૪૫ દર્દીઓમાં મોટાભાગની મહિલાઓ છે, જેઓએ હોસ્પિટલમાંથી રજા લેતા પહેલા સંકુલમાં જ દુઆ બંદગી કરી ગુજરાત, ભારત સહિત વિશ્વને આ કોરોનાની મહામારીથી મુક્તિ મળે તે માટે અલ્લાહની ઇબાદત કરી હતી. બરોડા મુસ્લિમ ડોક્ટર્સ એસોસીએશન દ્વારા આ તમામનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓ પ્લાઝમા ડોનર્સ પણ બનશે અને આગામી દિવસોમાં જો જરૂર પડશે તો તેઓ લોકોની પણ મદદ કરશે.

(9:41 pm IST)