Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોરોનાને નાથવા ૨૬મીએ વિશ્વ શાંતિ યજ્ઞનું આયોજન

લોકડાઉન વચ્ચે પોતપોત્ના નિવાસસ્થાને જ યજ્ઞ : ૩૬ દેશ-વિદેશના પંડિતો સાથે અગ્નિદેવને આહૂતિ આપશે

અમદાવાદ,તા.૨૩ : ગુજરાત, ભારત સહિત સમગ્ર વિશ્વને કોરાનાની વૈશ્વિક મહામારીમાંથી મુકત કરાવવાના ઉમદા આશય સાથે ૩૬ દેશ-વિદેશના પંડિતો કથાકારો વગેરે વિદ્વાનો ભેગા મળી તા.૨૬-૪-૨૦૨૦ના રોજ વિશ્વ હિંદુ પંડિત દ્વારા વિશ્વ શાંતિ યજ્ઞ કરવાનું આયોજન કરાયું છે. આ વિશ્વ શાંતિ યજ્ઞમાં ગુજરાત, ભારત સહિત દુનિયાના કોઇપણ ખૂણેથી પંડિતો, કથાકારો, વિદ્વાનો જોડાઇ શકશે. સૌથી નોંધનીય વાત એ છે કે, તમામ વિશ્વ હિંદુ પંડિતોએ લોકડાઉનની સ્થિતિ વચ્ચે પોતપોતાના નિવાસસ્થાને, આશ્રમ કે યજ્ઞશાળામાં યજ્ઞ કરવાનો રહેશે અને એકસાથે સવારે ૧૧-૦૦થી ૧૨-૩૦ દરમ્યાન શ્રી અગ્નિનારાયણને સામૂહિક આહુતિ આપવામાં આવશે. સોલા ભાગવત મંદિરના મહંત ભાગવત ઋષિ શાસ્ત્રી દ્વારા વિશ્વ શાંતિ યજ્ઞ અંગે માર્ગદર્શન અને જાણકારી પૂરી પડાશે. કોરોનાના વૈશ્વિક સંકટના નિવારણ અને તેમાંથી માનવજાતિને ઉગારવાના ઉમદા હેતુ સાથે વિશ્વમાં સૌપ્રથમવાર આ પ્રકારે વિશ્વ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

           આ વિશ્વ શાંતિ યજ્ઞ સાથે ઝુમ એપ અને ફેસબુક લાઇવથી જોડાઇ શકાશે. વિશ્વ શાંતિ યજ્ઞમાં મહામૃત્યુજંય મંત્રના ઉચ્ચારણ કરી આહુતિ આપવાની રહેશે. સોલા ભાગવત મંદિરના મહંત ભાગવતઋષિ તરફથી યજ્ઞ કેવી રીતે કરવો અને તેની વિધિથી લઇ સામગ્રી, આહુતિ, મંત્રોચ્ચાર સહિતનું તમામ માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવશે. આ વિશ્વ શાંતિ યજ્ઞમાં ગુજરાત, ભારત સહિત દુનિયાથી કોઇપણ વ્યકિત જોડાઇ શકે છે અને પોતપોતાના નિવાસસ્થાને આ યજ્ઞ કરી વૈશ્વિક મહામારીને નાથવામાં પોતાનું આધ્યાત્મિક યોગદાન આપી શકે છે.

(9:50 pm IST)