Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

૭ ક્લસ્ટર ક્વોરન્ટીન ખુલતા ૧૦ હજારને મોટી રાહત થઇ

મધ્ય ઝોનના આસી. ટીડીઓ સહિત ૫૦ ઝપેટમાં : અમદાવાદમાં કોરોના પોઝિટિવના ૧૬૫૨થી વધારે કેસો

અમદાવાદ,તા.૨૩ : અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવની સ્થિતિ દિન પ્રતિદિન વકરી રહી છે અને હવે તો કોરોના વોરિયર્સ એવા ખુદ અમ્યુકોના કર્મચારીઓ, સ્ટાફ, ડોકટર અને નર્સ સહિતના લોકો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આજે પણ શહેરના મધ્ય ઝોનના આસીસ્ટન્ટ ટીડીઓ કોરોનાની ઝપેટમાં આવતાં અત્યારસુધીમાં કુલ ૫૦ જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવના સંક્રમણમાં સપડાયા છે. બીજીબાજુ, કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૬૫૨ થઈ છે. જ્યારે મૃત્યુઆંક ૬૯ છે અને કુલ ૭૯ લોકો સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ થયા છે.

              આજે અમદાવાદમાં વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે તો, શહેરના સાત કલસ્ટર કવોરન્ટીન ખોલવામાં આવતાં આશરે દસ હજાર જેટલી વસતીને રાહત થઇ છે એમ અત્રે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજથી રાજ્યમાં કોરોના વાઈરસના અપડેટ આંકડા દર ૨૪ કલાકે આપવામાં આવશે, જેથી આજે સાંજે શહેરના નવા કેસો અને મૃત્યુ તથા ડિસ્ચાર્જની વિગતો સામે આવશે. કોરોના વાઇરસના હોટસ્પોટ બનેલા શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. બફર ઝોનમાં કલસ્ટર ક્વોરન્ટીન રહેલા લોકોનો ૧૪ દિવસનો પિરિયડ પૂરો થતા આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેકીંગ કરવામા આવશે. શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. બફર ઝોનમાં કલસ્ટર ક્વોરન્ટીન રહેલા લોકોનો ૧૪ દિવસનો પિરિયડ પૂરો થતા આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેકીંગ કરવામા આવશે. ૭ સ્થળોએ  કરાયેલા ક્લસ્ટર ક્વોરેન્ટીન લોકોને ક્વોરન્ટીનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

               દરેક વિસ્તારમાં ૨ એમ કુલ ૧૪ આરોગ્યની ટીમ તપાસ કર્યા બાદ તમામને ક્વોરન્ટીન મુક્ત જાહેર કરશે. જો કે આ બફર ઝોનમાં આવતીકાલ તા.૨૪ એપ્રિલ સુધી કરફ્યુ હોવાથી કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકશે નહીં. આજે સાંજે કરફ્યુમાં વધારો કરશે કે કેટલાક સમયમાં છુટછાટ સરકાર દ્વારા આપવામા આવશે તેની જાહેરાત મોડી સાંજે કરવામાં આવી શકે છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં આજે પાંચ દર્દીઓને રજા અપાઈ છે, તેમાં સાણંદ તાલુકાના બે, બાવળા તાલુકાના એક, દસ્ક્રોઇ તાલુકાના એક અને માંડલ તાલુકાના એક એમ મળી કુલ પાંચ દર્દીઓ નો સમાવેશ થાય છે. શહેરમાં હવે કોરોનાનો ચેપ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને પણ લાગી રહ્યો છે. અત્યાર સુધીમાં ૨૦થી વધુ ડોકટરો અને સ્ટાફ, સફાઇ કામદારો સહિત ૫૦ જેટલા કર્મચારીઓ  કોરોના પોઝિટિવનો ભોગ બન્યા છે. ત્યારે વધુ એક અધિકારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મધ્ય ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓનો કોરોના પોઝિટિવ આવતાં મોડી રાત્રે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. આ અધિકારીએ કોટ વિસ્તારમાં, કાલુપુર શાકમાર્કેટ ખસેડવું, રિવરફ્રન્ટમાં વ્યવસ્થા કરવા જેવી મહત્વની કામગીરી સંભાળી હતી.

(9:55 pm IST)