Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

જેતલપુરની એપીએમસીમાં વધુ બે રિપોર્ટ પોઝિટિવ રહ્યા

જેતલપુર એપીએમસીમાં કુલ ચાર રિપોર્ટ પોઝિટિવ : અમદાવાદમાં ૪ શાકભાજીવાળા, ચાર કરિયાણાવાળાના મળી કુલ સાત લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર

અમદાવાદ,તા.૨૩ :  અમદાવાદમાં જેતલપુર એપીએમસીમાંથી કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જે બે કેસ નોંધાયા છે તેમાં એક વેપારીનો સમાવેશ થાય છે. નવા કેસ મળીને એપીએમસીમાં કુલ ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જેતલપુર એપીએમસીમાં કોરોનાના કેસો વધતા તંત્રની ચિંતા અને દોડધામ વધી છે.  ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પણ ચાર શાકભાજીવાળા અને ચાર કરિયાણાવાળાના મળી કુલ સાત લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં અમ્યુકો તંત્રએ આવા લોકોને કોરોના વાયરસના સાયલન્ટસ્પ્રેડર ગણી તેમની પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે જેતલપુર એપીએમસીમાં વધુ બે વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે સરકારે રાજ્યના તમામ જિલ્લાઓમાં આજથી રેન્ડમ ટેસ્ટના બદલે ખાસ કોરોનાના ચિન્હોવાળા દર્દીઓને શોધવાની ઝૂંબેશ શરૂ કરી છે.

            સરકારનો મુખ્ય હેતુ કોમ્યુનિટી સર્વેલન્સ હાથ ધરવાનો છે. જે અંતર્ગત તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરને આ ઝૂંબેશમાં સક્રિયપણે આગળ વધવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં ખાસ કોમ્યુનિટી સર્વેલન્સ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સ્પષ્ટ કર્યું છે કે, હવે એક એવો તબક્કો આવ્યો છે કે જેમાં કોમ્યુનિટી સર્વેલન્સ વધારવું પડશે. આ સર્વેલન્સમાં ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ તો, શહેરી વિસ્તારમાં રહેણાંક વિસ્તારના અગ્રણીઓને જોડવામાં આવશે.

(9:46 pm IST)