Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

હરેકૃષ્ણમંદિર ખાતે કોરોનાને લઇ એક દિવસનો પાટોત્સવ

દર વર્ષે પાંચ દિવસનો પાટોત્સવ ઉજવાય છે : પાટોત્સવ ઉજવણીને લઇ ૨૬મીએ કોઈપણ શ્રદ્ધાળુઓને મંદિરમાં આવવાની મંજુરી નથી : પાટોત્સવની તૈયારીઓ

અમદાવાદ,તા.૨૩ :  કોરોનાના કહેર વચ્ચે સમગ્ર રાષ્ટ્રની વર્તમાન લોકડાઉન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા આ વર્ષે પાંચ દિવસના પાટોત્સવની ઉજવણીને બદલે આગામી રવિવાર તા.૨૬ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ માત્ર એક દિવસના પાંચમા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એ દિવસે શ્રી શ્રી રાધામાધવની વિશેષ પૂજા-અર્ચના કરવાની સાથે સાથે ગુજરાત, ભારત સહિત સમગ્ર વિશ્વને કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી મુકિત મળે તે માટે પણ પ્રાર્થના કરવામાં આવશે. તો, શ્રદ્ધાળુ દર્શનાર્થીઓને પણ પાટોત્સવની ઉજવણીના દિવસે તા.૨૬મી એપ્રિલે કોરોનાના સંક્રમણથી બચવા અને લોકડાઉનના ચુસ્ત અમલીકરણના ભાગરૂપે મંદિરની મુલાકાત નહી લેવા અનુરોધ કરાયો છે. એક દિવસના આ પાટોત્સવની ઉજવણી, હરે કૃષ્ણ મંદિરના વાર્ષિકોત્સવ તથા હરે કૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાનના આ શુભ દિને થયેલ આગમનના પ્રસંગને દર્શાવે છે.

              મંદિરનુ ઉદ્દઘાટન તા. ૨૧ એપ્રિલ, ૨૦૧૫ ના રોજ અક્ષયતૃતિયાના શુભદિને કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી-નરસિંહ ભગવાન અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ (કૃષ્ણ-બલરામ સ્વરૂપ) ભગવાનશ્રી ની ઉપસ્થિત અને તેમના મૂર્તિરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ સ્થાપનાના શુભપ્રસંગને સિમાચિહ્ન રૂપે દર્શાવે છે. આ અંગે ભાડજ હરેકૃષ્ણ મંદિરના અધ્યક્ષ જગમોહન કૃષ્ણદાસાએ જણાવ્યું હતું કે, અક્ષયતૃતિયાના શુભ દિને ઉજવાઈ રહેલ પાટોત્સવ તા.૨૬મી એપ્રિલે સવારે ૭-૩૦ વાગ્યાથી ભગવાન શ્રી શ્રી રાધામાધવની શ્રુંગાર આરતીથી શરુ થશે. ત્યારબાદ પાટોત્સવ યજ્ઞ અને ચૂર્ણ અભિષેક કરવામાં આવશે. આ એક પારંપરિક દિવ્યસ્નાન વિધિ છે જેમાં ભગવાનશ્રીને હળદર અને અન્ય પવિત્ર પદાર્થોથી (વસ્તુઓથી) અભિષેક કરવામાં આવશે. મંદિરમાં ભગવાનને (શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી-નરસિંહ અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ) ને મંદિરના મુખ્ય સભાખંડમાં ભવ્ય અભિષેક અર્પણ કરવામાં આવશે. આખા વર્ષ દરમ્યાન આ શુભઅવસર પર જ એક સાથે પ્રાણપ્રતિષ્ઠા કરેલ બધી દેવપ્રતિમાઓના અભિષેક નિહાળવાનો લાહવો પ્રાપ્ત થાય છે. આ પછી ખાસ રાજભોગ ધરાવવામાં આવશે અને ભગવાનશ્રી શ્રી રાધામાધવની મહા આરતી થશે.

ભગવાનશ્રી શ્રી રાધા માધવને આ પ્રસંગે વિશેષ અલંકારથી શણગારવામાં આવશે. તમામ ભક્તોને જવાબદાર નાગરિકો તરીકે રાષ્ટ્રીય લોકડાઉન પ્રત્યે પોતાનો આદર દર્શાવવા વિનંતી કરવામાં આવે છે. આ વર્ષે પાટોત્સવની ઉજવણીને લઇ તા.૨૬ એપ્રિલ ૨૦૨૦ ને રવિવારે કોઈપણ દર્શનાર્થીઓને પણ મંદિરની મુલાકાત લેવાની મંજૂરી નથી. નિયમમાં કોઈ બાંધછોડ રહેશે નહીં. જો કે, સમગ્ર ઉત્સવનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. બધા ભક્તોને યુ-ટ્યુબની ઓફિશ્યલ ચેનલ અને હરે કૃષ્ણ મંદિર, ભાડજની ફેસબુક પેજ પર સમગ્ર પ્રસંગ ઓનલાઇન જોવા માટે આમંત્રણ આપવામાં આવે છે. હરે કૃષ્ણ મંદિર નિવાસી ભક્તો સામાજિક અંતરનાં ધારાધોરણોનું સન્માન કરીને ઉત્સવનું આયોજન કરશે. પ્રવર્તમાન કોવિડ - ૧૯ રોગચાળાને પગલે અમે ભગવાન શ્રી શ્રી રાધા માધવને સારા સ્વાસ્થ્ય અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરીએ છીએ.

(9:44 pm IST)