Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોરોના : વાત્રક હોસ્પિટલમાં તબીબ વચ્ચે થયેલ મારામારી

મારામારી દરમિયાન એક ડોકટર ઇજાગ્રસ્ત : સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા મામલોને દબાવવા પ્રયાસ

અમદાવાદ,તા.૨૩ : રાજ્ય સરકારે ૨૬ જિલ્લામાં કોવિડ ૧૯ની સારવાર માટે ખાનગી હોસ્પિટલને કોવિડ ૧૯ હોસ્પિટલ જાહેર કરી છે. જેમાં અરવલ્લીના બાયડમાં આવેલી વાત્રક હોસ્પિટલને પણ સામેલ કરાઈ છે. ત્યારે અહીં ડોક્ટરો વચ્ચે મારામારીની ઘટના સામે આવતાં તબીબીઆલમમાં ભારે ચકચાર મચી ગઇ હતી.  ડોક્ટરો વચ્ચે થયેલી મારામારીમાં એક ડોક્ટર ઈજાગ્રસ્ત હોવાની માહિતી સાંપડી રહી છે. જો કે આરોગ્ય વિભાગ આ મામલે આંખ આડા કાન કરીને મામલો દબાવવા પ્રયાસ કરાયો હતો. જો કે, ડોકટરો વચ્ચે મારામારીને લઇ હોસ્પિટલ સંકુલમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક આરોગ્ય વિભાગ અને તંત્ર પણ હરકતમાં આવ્યું હતુ ંઅને સમગ્ર મામલે જરૂરી તપાસ કરી છે. અરવલ્લીના બાયડમાં વાત્રક ખાતેની હોસ્પિટલમાં ડોક્ટરો વચ્ચે થયેલી મારામારી દરમ્યાન એક તબક્કે ફરજ પર બંદોબસ્તમાં હાજર રહેલા પોલીસકર્મીઓએ દરમિયાનગીરી કરી હતી.

            ડોક્ટરો વચ્ચે મારામારી થતાં કોવિડ ૧૯ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ ગભરાયા હતા. ઉલ્લેખનીય છે કે, રાજયમાં કોરોનાની મહામારીમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સેવા કરતાં ડોકટરો અને સ્ટાફ પર હુમલાની ઘટનાઓને ગંભીરતા લઇ ગઇકાલે જ કેન્દ્ર સરકાર દ્વારા તબીબીઆલમ માટે બહુ રાહતરૂપ કાયદાની જાહેરાત કરાઇ હતી, જેમાં ડોકટર પર હુમલો કરનારા લોકોને સાત વર્ષની જેલ સહિતની આકરી જોગવાઇ દાખલ કરવામાં આવી છે ત્યારે આજે ખુદ કોવિડ હોસ્પિટલના ડોકટરો વચ્ચે કોઇક મુદ્દે મારામારીની ઘટનાએ તબીબીઆલમમાં ભારે ચર્ચા જગાવી હતી.

(9:47 pm IST)