Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

માર્ચ-એપ્રિલના વિજ બિલોને ભરવાની મુદ્દત વધારી દેવાઈ

વિજ બિલ બાકી હશે તો પણ કનેક્શન કપાશે નહીં :ઓનલાઈન સાઇટનો ઉપયોગ કરી માહિતી મેળવી શકાશે

અમદાવાદ,તા.૨૩ : ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારી સામે મર્દાનગીથી લડી રહ્યો છે અને કોરોના વાઈરસને ખતમ કરવા માટે અને વધારે ન ફેલાય તે માટે સમગ્ર દેશમાં તા.૩ મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે જીવનજરૂરીઆત વસ્તુઓ સિવાય અન્ય તમામ કામો બંધ કરી દેવાયા છે. જોકે તા.૨૦ એપ્રિલ બાદ કેટલીક સરકારી કચેરીઓ તેમજ ઉદ્યોગોને શરતો સાથે ખુલ્લા કરાયા છે. ત્યારે વીજ કંપનીઓના કર્મચારીઓ જે પહેલા ઘરે કે દુકાનોમાં જઈને વીજળીનું બિલ પહોંચાડતા હતા તે પણ હાલ માટે બંધ હોઇ લોકોએ વીજળીના બિલની વિગત તેમજ તેને ભરવા માટે ઓનલાઈન વેબસાઇટનો ઉપયોગ કરવો પડશે. રાજય સરકારે માર્ચ અને એપ્રિલ મહિનાના બીલ ભરવાની મુદત તા.૧૫મી મે સુધારી વધારતાં લોકોને રાહત આપવાનો પ્રયાસ થયો છે. એકબાજુ, સમગ્ર રાજયમાં લોકડાઉનનો કડક અમલ થાય તે માટે સરકાર તેમજ પોલીસ દિવસ-રાત મહેનત કરી રહી છે.

           ત્યારે દર મહિને-બે મહિને ઘરે આવતું વીજળીનું બિલ લોકડાઉન ચાલુ છે ત્યા સુધી ઘરે નહીં આવે. લોકોએ બિલ ભરવા તેમજ તેને લખતી વિગતો જાણવા માટે કંપનીની ઓનલાઈન વેબસાઈટ પર જવાનું રહેશે. બીજીતરફ સરકારે પણ લોકોને વીજળીમાં રાહત આપી છે. રાજય સરકારે માર્ચ અને એપ્રિલ મહિનાના બિલ ભરવાની મુદતને તા.૧૫ મે સુધી વધારી છે. જેથી જે બિલ ગ્રાહકનું માર્ચ-એપ્રિલનું બાકી હશે તે હવે તા.૧૫ મે સુધીમાં ક્યારે પણ ભરી શકે છે.  ઓનલાઈન બિલ ભરવાની પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે. જે ગ્રાહક ઓનલાઈન પોતાનું બિલ ભરવા માંગતા હોય તેઓને વીજ કંપની વેબસાઈટ પર જઈને ભરી શકે છે. તેના માટે તેઓને વેબસાઈટ પર પોતાનો ગ્રાહક નંબર એડ કરવાનો રહે છે. ગ્રાહક નંબર એડ કરતા જ તેના બિલની સમગ્ર માહિતી સ્ક્રિન પર જોવા મળી જશે. સાથે જ જો ગ્રાહક બિલ ભરવા માંગે છે તો તે અહીંથી જ ભરી શકે છે. બિલ ભર્યા બાદ તેની રિસિપ્ટ પણ ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે. સાથે જ સરકારના જણાવ્યા અનુસાર, નાના-મોટા વેપારીઓ પાસેથી પણ જીઈબીનો કોઇપણ ફિક્સ ચાર્જ લેવામાં નહીં આવે માત્ર ગ્રાહકે જેટલો વીજળીનો વપરાશ કર્યો હશે, તેણે એટલા જ રૂપિયા ચુકવવાના રહેશે. આમ, સરકારે વીજબીલ ભરવામાં લોકોને રાહત કરી આપી છે.

(9:48 pm IST)