Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

કનકેશ્વરી ભાગવત સપ્તાહમાં હાલ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

ભાગવત સપ્તાહ કાર્યક્રમ ૨૮મી સુધી ચાલશે : ગૌશાળાના લાભાર્થે ચાલી રહેલ કનકેશ્વરી દેવી ભાગવત સપ્તાહમાં ભકતો તરબોળ : લોકડાયરા સહિતના કાર્યક્રમો

અમદાવાદ,તા. ૨૪ : હાલમાં કનકેશ્વરી દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. જુદા જુદા કાર્યક્રમો આમા યોજવામાં આવી રહ્યા છે. માત્ર આસપાસના વિસ્તારમાંથી જ નહીં બલ્કે બહારથી પણ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ સપ્તાહ ૨૮મી સુધી ચાલનાર છે. ગૌશાળાના લાભાર્થે આનુ આયોજન કરાયું છે. હાલ  જ્યારે વિવિધ પ્રકારના ધાર્મિક તથા અન્ય સેવાના કામ માટે લોકો ડાયરો સહિતના અનેક વિવિધ કાર્યક્રમો યોજતા હોય છે તેવી રીતે ગૌશાળાના લાભાર્થે હાલ સાયન્સ સીટી ખાતે ચાલી રહેલા પુ કનકેશ્વરી દેવીના ભાગવત સપ્તાહમાં ભક્તો તરબોળ થઇ રહ્યા છે. હાલના યુગમાં જેમ ડીઝીટલ યુગનું મહત્વ વધ્યું છે તેવી જ રીતે આપણા વારસાને અને સંસ્કૃતિને જાળવવાની બાબતનું પણ મહત્વ વધ્યું છે. માત્ર વૃદ્ધો જ નહી પરંતુ આજની નવી પેઢી પણ વિચારતી થઇ છે. જેમ કે આપણી ગાયને કોઇ વિકલ્પ નથી . આર્ટીફીશિયલ દુધ બને તે શરીરને નુકસાનકારક છે. જ્યારે જેમની પાસે વાકચાતુર્ય છે તેવા માં પુ કનકેશ્વરી દેવીએ પણ આ કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો. એટલુ જ નહી ભક્તો આધ્યાત્મિક રંગમાં રંગાઇ જાય તે માટે વિવિધ પ્રકારની અલગ વાકછટાનો ઉપયોગ કરીને લોકોને મંત્રમુગ્ઘ કરવામાં તેમને સફળતા મળી છે.  તેમનો એવો મત છે કે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમતોલ જરુરી છે. વારાહી ખાતે આવેલી ભીડભંજન હનુમાનજી ગૌશાળાના લાભાર્થે આ સપ્તાહ ચાલી રહ્યો છે. વારાહી ગામ પાકિસ્તાનની સરહદે આવેલુ  ગામ છે. રણમાં આવેલા આ ગામમાં વારંવાર દુષ્કાળ પડે છે અને પીવાના પાણીની અછત રહ્યા કરે છે. આ વિસ્તારમાં કોઇ મોટા ઉઘોગો નથી તેથી તેમાં કોઇનો ટેકો મળી રહે. તેમ છતા કેટલા યુવાનોનું હૃદય દ્રવી ઉઠયુ અને

હનુમાનજીના આર્શીવાદ સાથે ગૌશાળાનો પ્રારંભ કર્યો. હાલ આ ગૌશાળામાં ૩૫૦૦ ગાયોની સેવા થઇ રહી છે તેથી આ ગાયોને વધુ સારી રીતે અને વધુ ગાયો આવે તો પણ તેમની સેવા થઇ શકે તે ઉદ્દેશ્યથી આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે.  સોલા સાયન્સ સીટી ખાતે શુકન બંગલો પાસેનું મેદાન ગોકુલધામ ખાતે કથા મંડપમાં ગરમીથી શ્રદ્ધાળુઓને ગરમી ન લાગે તે માટે એસી મંડપ બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સપ્તાહ પુર્ણ થયા બાદ કોઇ શ્રાવક ભુખ્યો ન રહે તે માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સપ્તાહમાં મુખ્ય યજમાન લલીતાબેન વલ્લભરામ અખાણી તથા પીયુષભાઇ ઠક્કર તથા વિપુલભાઇ ઠક્કર તથા પ્રેરક યજમાન સ્વ. મુળજીભાઇ નરભેરામ ગોકલાણી પરિવાર વારાહી તથા પરષોતમભાઇ ગોકલાણી, ફરસુભાઇ ગોકલાણી તથા રમેશભાઇ ગોકલાણી છે. હાલ કોઇ પણ પ્રકારની આ વ્યવસ્થા ન થાય તે માટે ફરસુભાઇ ગોપલાણી સહિતના તમામ સ્વયંસેવકો કાર્યાલય તથા ગોકુલધામ ખાતે વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને ભકતોને પ્રસાદી તથા બહારગામથી આવેલા ને રહેવાની કોઇ અગવડ ન પડે તે માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે. અહી રોજ કલાકારો દ્વારા લોકડાયરો પણ ચાલી રહ્યો છે. કથાની પુર્ણાહુતિ ૨૮મીને શનિવારે છે. લોકો શ્રદ્ધાપૂર્વક ભાગ લઇ રહ્યા છે. મદદ માટે લોકો આગળ આવ્યા છે.

(8:14 pm IST)