Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેત તલાવડીનું કૌભાંડ બહાર આવ્યા બાદ અેસીબીની ટીમ દ્વારા વિવિધ મુદ્દે તપાસનો ધમધમાટ

ગાંધીનગરઃ રાજ્યમાં ACB દ્વારા જમીન વિકાસ નિગમની ઓફિસે પાડવામાં આવેલા દરોડા બાદ રાજ્યના અનેક જિલ્લામાં ખેત તલાવડીનું કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે ACB દ્વારા પાંચ અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ACBની તપાસમાં ધમધમાટ જોવા મળ્યો હતો.

જેના પગલે હવે રાજ્યની 8000 જેટલી ખેતતલાવડી સામે પ્રશ્ન એ ઊભો થયો છે કે આ ખેતતલાવડી ખરા અર્થમાં બની છે કે નહીં. જેથી રાજ્યની આ તમામ ખેતતલાવડીની તપાસ થશે. જેમાં તપાસનો રેલો દરેક જિલ્લાના જમીન વિકાસ નિગમના અધિકારીઓ સુધી પહોંચ્યો છે.

અન્ય જિલ્લામાં પણ મોટાપાયે કૌભાંડ થયું હોવાની શંકાઓ વધુ મજબૂત બની છે. હકીકતમાં કેટલી ખેતતલાવડી બની તે માટે તમામ જગ્યાએ જઈને દસ્તાવેજ અને જગ્યાની પણ તપાસ કરવામાં આવશે. તો ACBને એવી શંકા છે કે આ કૌભાંડમા અધિકારીઓ સહિત પદાધિકારીઓની પણ મીલિભગત છે.

જેથી મોટા પાયે અધિકારીઓના નામ ખૂલે એવી આશંકા સેવાઈ રહી છે. જો આ કૌભાંડમાં અધિકારીઓના નામ ખૂલશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને કસૂરવાર અધિકારીઓને છોડવામાં નહીં એવી માહિતી સુત્ર દ્વારા મળી છે.

ઉલ્લેખનીય છે કે, પંચમહાલના શહેરા તાલુકામાં એક ખેતતલાવડીના 87 હજાર લેખે 160 ખેડૂતોના 99 લાખના રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું.

(5:59 pm IST)