Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ચેક પોસ્‍ટ પરથી મુદ્દામાલ સાથે પકડાઈ જાય તે માટે રાજયની વિવિધ ચેક પોસ્‍ટ ઉપર હાઈટેક સ્‍કેનર લગાડાશે : હર્ષ સંઘવી

ગુજરાતની દરિયાઈ સીમાઓ અને આંતરરાષ્ટ્રીય સીમાઓ પરથી નશીલા પદાર્થો રાજયમાં ઘુસાડવા માટે થઈ રહેલા પ્રયત્‍નોને નિષ્‍ફળ બનાવવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્‍નશીલ : રાજયમાં એક વર્ષમાં નશીલા પદાર્થોની હેરાફેરી સહિતના ગુનાઓ આચરતા કુલ ૪૩ આરોપીઓ સામે PIT NDPS ACT હેઠળ કડક અટકાયતી પગલાં લેવામાં આવ્‍યા : નશીલા પદાર્થો સાથે આરોપીઓ ગુજરાતમાં ઘૂસે તે પહેલાં : એક વર્ષમાં જામનગર જિલ્લામાં ૧૦ દરોડા પાડી ૬.૩૫ લાખનો ગાંજો અને રૂ.૧૩.૩૪ લાખનું એમ.ડી ડ્રગ્‍સ સાથે ૧૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી : બનાસકાંઠા જિલ્લામાં ૧૩ દરોડા પાડી પોલીસે રૂ.૩.૦૮ લાખનો ગાંજો, રૂ.૧.૧૮ લાખનું અફીણ, રૂ.૯૭.૬૦ લાખના પોષડોડા-પાવડર અને રૂ.૧.૪૬ કરોડથી વધુ કિંમતનો ચરસના જથ્‍થા સાથે ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવીᅠ : ગૃહ રાજય મંત્રી

રાજકોટ તા.૨૪ : ગુજરાતની દરિયાઈ સીમાઓ અને આંતરરાષ્ટ્રીય સીમાઓ પરથી નશીલા પદાર્થો રાજયમાં ઘુસાડવા માટે થઈ રહેલા પ્રયત્‍નોને નિષ્‍ફળ બનાવવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્‍નશીલ છે અને મોટાભાગે આવા નશીલા પદાર્થો સાથે ગુજરાતમાં ઘુસતાની સાથે જ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવે છે. એટલું જ નહિ, નશીલા પદાર્થો સાથે આરોપીઓ ગુજરાતમાં ઘૂસે તે પહેલાં જ ચેક પોસ્‍ટ પરથી મુદ્દામાલ સાથે પકડાઈ જાય તે માટે રાજયની વિવિધ ચેક પોસ્‍ટ ઉપર હાઈ ટેકનોલોજી આધારિત સ્‍કેનર લગાડવા રાજય સરકાર ગંભીરતાપૂર્વક વિચારી રહી છે તેમ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું છે.

પકડાયેલા ડ્રગ્‍સ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજયનું યુવાધન ડ્રગ્‍સથી દુર રહે અને રાજયમાં ડ્રગ્‍સની હેરાફેરી કે વેચાણ સદંતર બંધ થાય તે માટે ગુજરાત પોલીસ એલર્ટ છે અને ડ્રગ્‍સ માફિયાઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તા.૩૧મી ડીસેમ્‍બર ૨૦૨૨ની સ્‍થિતિએ છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા ૧૦ સફળ દરોડા પાડી ૧૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રૂ ૬.૩૫ લાખનો ગાંજો અને રૂ.૧૩.૩૪ લાખનું એમ.ડી ડ્રગ્‍સ પકડવામાં આવ્‍યું છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ૧૩ દરોડા પાડી પોલીસે ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રૂ.૩.૦૮ લાખનો ગાંજો, રૂ.૧.૧૮ લાખનું અફીણ, રૂ.૯૭.૬૦ લાખના પોષડોડા/પાવડર અને રૂ.૧.૪૬ કરોડથી વધુ કિંમતનો ચરસનો જથ્‍થો પકડવામાં આવ્‍યો છે. જિલ્લા અને મહાનગરોમાં એસ.ઓ.જી અને ક્રાઇમ બ્રાંચની ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે છે. મંત્રીશ્રીએ પૂરક પ્રશ્નના પ્રત્‍યુત્તરમાં ઉમેર્યું કે, માદક દ્રવ્‍યો અને સાયકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદેસર ટ્રાફિકને રોકવાના હેતુથી અને તેની સાથે જોડાયેલા કેસોમાં અટકાયતની જોગવાઈ કરવા માટે અમલી બનેલો કાયદો PIT NDPS ACT ૧૯૮૮ અંતર્ગત ગુજરાતમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજયમાં એક વર્ષમાં આવા ગુનાઓ આચરતા કુલ ૪૩ આરોપીઓ સામે PIT NDPS ACT હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્‍યા છે.

 

 

(4:55 pm IST)