Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજ્‍ય સરકારની મેગાડ્રાઈવથી વ્‍યાજખોરોમાં એક સંદેશ સ્‍પષ્ટ થઇ ગયો કે, આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશેઃ હર્ષ સંઘવી

વ્‍યાજખોરીના દુષણને ડામવા અને મજબૂર નાગરિકોને વ્‍યાજના બોજમાંથી મુક્‍ત કરાવવા રાજ્‍ય સરકારે ચિંતા કરી એક ખાસ ઝુંબેશ ચલાવીઃ ગળહ રાજ્‍યમંત્રી પ્રજા પોલીસ સુધી પહોંચે તે પહેલા લોકદરબારો થકી ગુજરાત પોલીસ પ્રજાના દ્વાર સુધી પહોંચી; અત્‍યારસુધીમાં રાજ્‍યભરમાં ૩૫૦૦ જેટલા લોકદરબાર યોજાયા

રાજકોટ, તા.૨૪: ગુજરાતમાં વ્‍યાજખોરીના દુષણને ડામવા તેમજ વ્‍યાજખોરોના ચક્કરમાં ફસાઈ ગયેલા મજબૂર અને જરૂરિયાતમંદ લોકોને આ બોજમાંથી મુક્‍ત કરાવવા રાજ્‍ય સરકારે ચિંતા કરીને એક વિશેષ ઝુંબેશ ચલાવી છે, તેમ ગળહ રાજ્‍ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું. તેમણે ઉમેર્યું કે, ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભૂપેન્‍દ્રભાઈ પટેલના તાત્‍કલિક નિર્દેશથી રાજ્‍યમાં શરુ થયેલી આ મેગાડ્રાઈવથી વ્‍યાજખોરોમાં એક સંદેશ સ્‍પષ્ટ થઇ ગયો છે કે, આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે.

વિધાનસભા ગળહ ખાતે વ્‍યાજખોરો સામેની ઝુંબેશ અને રાજ્‍યમાં યોજતા લોકદરબાર અંગે પૂછાયેલા  પ્રશ્‍નનો ઉત્તર આપતા ગળહ રાજ્‍ય મંત્રી શ્રી સંઘવીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં ૦૫-૦૧-૨૦૨૩થી શરુ થયેલી અનધિકળત વ્‍યાજખોરો સામેની ખાસ ઝુંબેશના પરિણામે રાજ્‍યના અનેક નાગરીકો વ્‍યજખોરીના ચક્કરમાંથી બહાર આવ્‍યા છે. વધુમાં વધુ લોકોને વ્‍યાજ અને વ્‍યાજખોરોના બોજમાંથી બહાર લાવી શકાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્‍યભરમાં અત્‍યારસુધીમાં ૩૫૦૦ જેટલા લોકદરબાર યોજાયા છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રજા પોલીસ સુધી પહોંચે તે પહેલા લોકદરબારો થકી ગુજરાત પોલીસ અને ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ પ્રજાના દ્વાર સુધી પહોંચી તેમને ન્‍યાય અપાવી રહ્યા છે. માત્ર અમદાવાદ જિલ્લામાં જ અત્‍યારસુધીમાં કુલ ૧૭૪ લોકદરબાર યોજવામાં આવ્‍યા છે, જેમાં ૧૪,૨૬૦ નાગરીકો ઉપસ્‍થિત રહ્યા હતા અને ગુજરાત પોલીસના ૧૬૯૨ અધિકારીઓએ ઉપસ્‍થિત રહી પ્રજાના પ્રશ્‍નો સાંભળ્‍યા છે. નવસારી જિલ્લામાં પણ અત્‍યારસુધીમાં ૧૪ લોકદરબાર યોજવામાં આવ્‍યા છે, જેમાં પોલીસના ૨૦૫ અધિકારીઓએ ૧૭૦૮ જેટલા નાગરિકોના પ્રશ્‍નો સાંભળ્‍યા હતા.

અંતમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસે લોકદરબારો થકી આવેલા મોટાભાગના પ્રશ્‍નને સ્‍થળ પર જ ન્‍યાય અપાવવાનું કામ કર્યું છે. આ ઉપરાંત રાજ્‍ય સરકારે લોનમેળાનું આયોજન કરીને વિવિધ યોજનાઓ અંતર્ગત લોકોને સહાય અને લાભ આપ્‍યો છે.

(4:53 pm IST)