Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

બોગસ દસ્‍તાવેજો બનાવવાના ગુનામાં ઝડપાયેલા વસંત ગજેરા પોલીસને તપાસમાં સહયોગ ન આપતા હોવાનું ખુલ્યુંઃ ગોળ ગોળ જવાબો આપતા હોવાનો આક્ષેપ

સુરતઃ ૧૦૦ જમીનના બોગસ દસ્‍તાવેજો બનાવવાના ગુનામાં ઝડપાયેલા સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા રીમાન્ડ દરમ્યાન પોલીસને ગોળ ગોળ જવાબો આપીને તપાસમાં સહયોગ ન આપતા હોવાનું ખુલ્યું છે.

વસંત ગજેરા રિમાન્ડ પર છે ત્યારે ખુલાસો થયો છે કે વસંત ગજેરાએ આ જગ્યાના દસ્તાવેજો છોડાવતી વખતે ખોટું સોગંદનામુ કરીને સીમાંત ખેડૂત તરીકેનો દાખલો મેળવ્યો હતો અને સ્ટેમ્પ ડયૂટી ઓછી ભરી હોવાની વિગતો જાણવા મળી છે. પોતાની પાસે બે વીઘા જ જમીન છે તેવું સોગંદનામું કરીને અમરેલીમાં મામલદાર પાસેથી આ દાખલો મેળવાયો હતો.

જે જમીન માટે વસંત ગજેરા સામે બોગસ દસ્તાવેજ બનાવ્યાની ફરિયાદ થઇ છે તે વેસુની નવા સર્વે નં-૨૮૦વાળી અંદાજે ૧૮,૫૦૦ ચોરસમીટર જગ્યાનો દસ્તાવેજ છોડાવતી વખતે સ્ટેમ્પ ડયૂટી બચાવવા માટે ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું. અમરેલીમાં મામલતદાર કચેરીમાંથી સીમાંત ખેડૂતનો દાખલો મેળવવા ગજેરાએ માર્ચ-૨૦૦૩માં એફીડેવીટ કરી હતી. કાયદાની જાણકારી ધરાવતા વસંત ગજેરા પોલીસને તપાસ દરમિયાન ચકરાવે ચઢાવી રહ્યાં છે.

વેસુની કરોડોની જમીનના વિવાદમાં કોર્ટનો ચૂકાદો પોતાની તરફેણમાં આવે તે માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર જાણીતા હીરા વેપારી- બિલ્ડર વસંત ગજેરા વિરૃદ્ધ ઉમરા પોલીસે હાઇકોર્ટના આદેશ બાદ ગત બુધવારે ધરપકડ કરી હતી. ઉણરા પોલીસે વસંત ગજેરાને ગતરોજ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જો કે, કાયદાની જાણકારી ધરાવતા વસંત ગજેરા પોલીસને તપાસમાં સહયોગ આપતા ન હોવાનું જાણવા મળ્યું છે. વસંત ગજેરા પોલીસને ગોળગોળ જવાબો આપી ચકરાવે ચઢાવી રહ્યાં છે. પોલીસ આ પ્રકરણમાં વસંત ગજેરાને બોગસ દસ્તાવેજો બનાવનારાઓ કોણ છે? તે અંગે તપાસ કરી રહી છે.

(7:02 pm IST)