Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

અમૂલ 'હલ્દી દૂધ' અને 'આઇરીશ મોકટેલ' લોંચ કરશે

આણંદ તા. ૨૪ : એશિયાની સૌથી મોટી દૂધની બ્રાન્ડ અમૂલ ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય સ્તરે 'હલ્દી દૂધ'(હળદરવાળું દૂધ) લોંચ કરશે. દેશની નવી પેઢીના સ્વાદને સંતોષવા માટે 'હલ્દી દૂધ' સાથે અમૂલ 'આઈરીશ ડ્રિંક મોકટેલ'પણ લોંચ કરશે. બંને પ્રોડકટ દેશમાં પ્રથમ વખત રજૂ થઈ રહી છે.

ખેડા જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળી જે અમૂલના નામે જાણીતી છે, તેના દ્વારા દૂધની બે નવી વેરાયટિ બહાર પાડવામાં આવશે. જે ઈઝી ટુ ઓપન કેન્સ (EoE)માં મળશે. અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેકટર ડો. કે રત્નમે કહ્યું કે, 'અમે દરેક પ્રોડકટના દોઢ લાખ યુનિટ ઉત્પાદિત કરવા માટે સક્ષમ છીએ. દૂધની આ બે નવી વેરાયટિનું ઉત્પાદન પણ આણંદ સ્થિત અમૂલ ડેરીના પ્લાંટમાં જ થશે.'

GCMMFના મેનેજિંગ ડિરેકટર આર. એસ. સોઢીએ કહ્યું કે, 'રોગપ્રતિકારક શકિત વધારવા માટે હળદર જાણીતી છે. બીમારીમાં ખાસ કરીને હળદરવાળું દૂધ પીવાનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરાયો છે. હળદરવાળું દૂધ ફકત ભારતમાં જ નહીં વિશ્વમાં પણ ઘરગથ્થુ ઈલાજ તરીકે વપરાય જ છે.'

આઈરીશ ડ્રિંક મોકટેલનો વિચાર આયર્લેંડની જાણીતી આઈરીશ કોફી પરથી આવ્યો. GCMMFના અધિકારીઓએ કહ્યું કે, 'આ બે નવા દૂધના પીણાં લોંચ કરીને દેશની સૌથી મોટી સહકારી મંડળી કુલ દૂધ આધારિત પીણાંના માર્કેટના આશરે ૫ ટકા એટલે કે રૂ. ૧૦૦ કરોડનું લક્ષ્યાંક રાખી રહી છે. અમને વિશ્વાસ છે કે આઈરીશ ડ્રિંક મોકટેલ બેવરેજ માર્કેટમાં ધમાલ મચાવશે અને ૨૦૧૮માં સૌથી વધુ પીવાતું પીણું બનશે.'

(1:07 pm IST)