Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ડોન રવી પુજારીનો કબ્જો લેવા ગુજરાત પોલીસ દ્વારા ધમધમાટ

વિદેશમાં બેઠા-બેઠા ગુજરાતના રાજકારણીઓ-ધારાસભ્યો અને ઉદ્યોગપતિઓને ધમકીઓ આપેલઃ પ૦ કરોડથી વધુ ખંડણીઓ ઉઘરાવ્યાનું પોલીસ સુત્રોનો અંદાજઃ આશીષ ભાટીયા-અજયકુમાર તોમર દ્વારા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી રવી પુજારીના વોઇસ સેમ્પલ મેળવાશેઃ હોટલ બોયમાંથી ડોન બનેલા આ શખ્સને ઓળખો

રાજકોટ, તા., ૨૪: કુવિખ્યાત ડોન રવી પુજારી કે જે જેલમાંથી જામીન મુકત થયા બાદ ગત વર્ષે નાસી છુટયા બાદ ફરીથી  સેનેગલ (આફ્રિકા પ્રદેશ) પોલીસે તેની ધરપકડ કરી કર્ણાટક, બેંગ્લુરે કબ્જો મેળવ્યાના પગલે ગુજરાત પોલીસે પણ તેનો કબ્જો મેળવવા માટે ગૃહ મંત્રાલય દ્વારા તજવીજ હાથ ધરી છે. સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી ડોન રવી પુજારીના વોઇસ સેમ્પલ મેળવવા માટે પણ તજવીજ હાથ ધરાનાર છે.

ગુજરાતના ધારાસભ્યો-ઉદ્યોગપતિઓ  અને અન્ય મહાનુભાવો સહીત ૭૫ જેટલા શખ્સોને ખંડણી માટે ધાકધમકી આપનાર  રવી પુજારી સામે ગુજરાતમાં સંખ્યાબંધ ફરીયાદો દાખલ થઇ હોય તેનો કબ્જો મેળવવા કવાયત તેજ થયાનું પણ એટીએસ સુત્રોમાંથી જાણવા મળે છે. એટીએસ પણ સેનેગલ પોલીસ સાથે સતત સંપર્કમાં છે.

ડોન પુજારી ૮૦ની સાલમાં મુંબઇના અંધરીમાં ચાની હોટલમાં કામ કરતો હતો.  એ સમયે કુવિખ્યાત ગેંગસ્ટર વિનોદ ભટકર અને રોહીત વર્મા વગેરેને ચા પહોંચાડવા જતો. ગેંગસ્ટરોને નાની-મોટી મદદ કરવાથી શરૂઆત કરી તે દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજન સુધી પહોંચી ગયો હતો.

જાણીતા ફિલ્મી અભિનેતાઓ, નિર્માતાઓ વિગેરે પાસેથી ખંડણી ઉઘરાવાનું  તેનું નેટવર્ક દેશના અન્ય ભાગો માફક ગુજરાત સુધી પહોંચી ગયું હતું. તાજેતરમાં જ જેલમાંથી પણ તે ખંડણી રેકેટ ચલાવતો હોવાનું ખુલ્યું હતું. યોગાનુયોગ બાબત એ છે કે સેનગલમાંથી રવી પુજારી ઝડપાયો છે તેમાં ગુજરાતીઓની મોટી મદદ છે.

એટીએસ સુત્રોની તપાસ દરમિયાન રવી પુજારી સેનેગલમાં એન્ટેની ફર્નાન્ડિસ  નામ ધારણ કર્યુ હતું. વિદેશમાં બેઠા-બેઠા પણ ગુજરાતના ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ અને બીજાઓને ૭પ થી વધુ ખંડણી માટેના  ફોન કર્યા હતા. સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ગુજરાતમાંથી પ૦ કરોડથી વધુ રકમ  પ્રોટેકશન મનીના નામે ખંડણીથી  ઉઘરાવ્યા હતા.

(1:15 pm IST)